જામનગર જિલ્લાના ધ્રોળ અને જોડીયામાં વધુ અડધો ઇંચ વરસાદ : જામનગર શહેર લાલપુર અને કાલાવડમાં વરસાદી ઝાપટા વરસ્યા
Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ બંધાયેલો છે, ત્યારે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જોડીયા અને ધ્રોલ પંથકમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન જોડિયામાં 25 મી.મી. જ્યારે ધ્રોળમાં 13 મી.મી. વરસાદ નોંધાયો હતો.
જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું, અને છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. અને ગઈકાલે બે મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે લાલપુરમાં 2 મી.મી. અને જામજોધપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. એકમાત્ર કાલાવડ પંથકમાં મેઘરાજાનો વિરામ રહ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ગઈકાલે ધોધમાર એક ઇંચ વરસાદ પડી ગયો હતો. ઉપરાંત પીઠડ ગામમાં પણ અડધો ઇંચ પાણી પડ્યું હતું. અન્યત્ર છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલો મળ્યા છે.