દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ

- સિહોર તાલુકાના દેવગાણા બાદ આંબલામાં એસઓજીનું મોટું ઓપરેશન
- વાડી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાંથી કુલ 1185 કિલોગ્રામ શંકાસ્પદ માવાનો જથ્થો કબ્જે કરી નાશ કરાયો
દિવાળી પૂર્વે નકલી માવામાંથી મીઠાઈ બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે પોલીસ દ્વારા સપ્તાહમાં બીજી સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગત શુક્રવારના રોજ સિહોર તાલુકાના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપી કુલ ૭૮૦ કિલોગ્રામ અખાદ્ય માવાનો જથ્થો કબ્જે લીધો હતો. લોકલ ક્રાઈમબ્રાંચના ઓપરેશન બાદ આજે ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા સિહોર તાલુકાના આંબલા ગામે વાડી વિસ્તારમાં ચાલતી ભેળસેળયુક્ત શંકાસ્પદ માવો બનાવતી મે.મિલન સુરેશભાઈ દવે નામની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આંબલા ગામના વાડી વિસ્તારમાં ૧૦ માણસો રાખીને છેલ્લા પાંચ મહિનાથી અહીં શંકાસ્પદ માવો બનાવવામાં આવતો હતો. ફેક્ટરીમાંથી પોલીસને ફેટ વધારવા માટે વનસ્પતિજન્ય તેલ તથા પામોલીન તેલ, ફટકડી તથા સિન્થેટિક રંગનો જથ્થો મળ્યો હતો. પોલીસે અહીંથી રૂ.૧,૮૭,૯૫૦ની કિંમતનો મીઠો માવો, ફટકડી સહિત કુલ ૧૧૮૫ કિલોગ્રામ ભેળસેળયુક્ત શંકાસ્પદ માવાનો નાશ કર્યો છે. તેમજ માવો, ફટકડી, દુધ પાવડર સહિત કુલ ૬ પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
નકલી માવો મુંબઈ સપ્લાઈ કરવામાં આવતો હતો
સિહોરના આંબલા ગામે વાડી વિસ્તારમાંથી મળી આવેલી ભેળસેળયુક્ત શંકાસ્પદ માવો બનાવતી ફેક્ટરી અંગે વિગતો આપતા એસઓજી પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું કે, અહીં છેલ્લા પાંચ માસથી નોકરી પર માણસો રાખીને માવો બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને અહીંથી મુંબઈ માવો સપ્લાઈ કરવામાં આવતો હતો.