Gujarat

જામનગરના કુખ્યાત દીવલા ડોન સામે 24 કલાકમાં વધુ એક ગુનો નોંધાયો : મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવાનું ષડયંત્ર

By GS TEAM
12 Aug 20252 mins read
TukuTouch Logo
મહિલાના મકાનમાં ઘૂસી જઈ તોડફોડ કરી 50,000 ની માંગણી કર્યાની 4 સામે પોલીસ ફરિયાદ : એક વકીલની પણ સંડોવણી

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કુખ્યાત દીવલા ડોન સામે 24 કલાકમાં વધુ એક ગુનો નોંધાયો : મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવાનું ષડયંત્ર

Jamnagar Crime : જામનગરના એક અનુસૂચિત યુવાનનું અપહરણ કરીને માર મારવા અને લૂંટ સહિતનો ગુનો જામનગરના કૂખ્યાત દિવલા ડોન સામે નોંધાયો છે, અને પોલીસ તેને શોધી રહી છે. ત્યાં જ 24 કલાકના સમયગાળા દરમિયાન તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પટેલ કોલોની શેરી નંબર 9 માં રહેતી એક મહિલાનું મકાન બળજબરી પૂર્વક ખાલી કરાવવા માટે ઘરમાં ઘુસી જઇ તોડફોડ કર્યાની અને 50,000ની માંગણી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જેમાં એક વકીલની પણ સંડોવણી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે, અને ચાર સામે ગુનો નોંધાયો છે.

જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન, કે જેની સામે બે દિવસ પહેલા એક અનુસૂચિત યુવાનને માર મારી તેનું બાઇક લૂંટી લેવા અને ખંડણી માંગવા સંબંધે ગુનો નોંધાયો હતો. જે ગુન્હાની તપાસમાં પોલીસ તેને શોધી રહી છે, ત્યાં જ ગઈકાલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર9 માં ચિરાગ એપાર્ટમેન્ટમાં રહેતી વર્ષાબેન સંજયભાઈ ધકાણ નામની મહિલાએ સીટી બી.ડીવિઝન પોલીસ મથકમાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલા ડોન તેમજ બળભદ્ર સિંહ જાડેજા એક અજાણ્યો માણસ અને નિર્મળ સિંહ નામના વકીલ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાનું મકાન બળજબરી પૂર્વક ખાલી કરાવવા માટે ગત 6-8-2025 ના સવારના 10.00 વાગ્યાના અરસામાં દીવલો ડોન તેના સાગરીતો સાથે મકાનમાં ઘૂસી આવ્યો હતો, અને કાચ, ટેબલ ફેન વગેરેમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ ધાક ધમકી આપી 50,000 રૂપિયાની માંગણી કરી હતી, અને આ મકાન ખાલી કરીને નિર્મળસિંહ વકીલને આપી દેવાનું છે, તેમ કહી ધમકી આપી હતી.

આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેના અનુસંધાને પીએસઆઇ જે.પી.સોઢા અને તેઓની ટીમે દીવલા ડોન, બળભદ્રસિંહ જાડેજા, વકીલ નિર્મળસિંહ વકીલ અને એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 140(2), 324(2), 331(1), 351(3), 352 તથા 54 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.