જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો
જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત દીવલા ડોને શહેરમાં ફરી લખણ ઝળકાવ્યા છે, અને તેની સામે અપહરણ, લૂંટ, ખંડણી ઉઘરાવવી અને હડધુત કરવા સહિતની અનેક ભારે કલમો હેઠળ ગુનો નોંધાયો છે. એક દલિત યુવાનને માર મારી અપહરણ કરાયું હોવાથી પોલીસે દિવલા ડોન અને તેના સાગરીત સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ક્રિષ્ના પાર્ક શેરી નંબર -૩ માં રહેતા અને સફાઈ કામદાર તરીકે પોતાના પિતા ને મદદ કરતા દિપક તુલસીભાઈ વાડોદરા નામના ૨૩ વર્ષના દલિત યુવાને પોતાને માર મારી બળજબરીપૂર્વક બાઇક ની લૂંટ ચલાવી તેમજ પોતાનું અપહરણ કરી ઢોર મારવા અંગે અને રૂપિયાની ખંડણી માંગવા અંગે જામનગરમાં રાંદલ નગરમાં રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળ સિંહ ચૌહાણ અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન દિપક પોતાના મિત્ર દિવ્યેશ પરમાર સાથે બાઈક લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન રામેશ્વર નગર વિસ્તારમાં આરોપી દિવલો તેના સાગ્રીત સાથે ત્યાં ધસી આવ્યો હતો, અને દલીત યુવાનને રસ્તામાં રોકી ગાળો ભાંડી મારમારી કરી હતી, અને સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યો હતો. ઉપરાંત તેનું બાઈક લૂંટી લીધું હતું, અને તેમાં જ તેનું અપહરણ કરી રૂપિયા 2000ની ખાંડણી માંગી હતી, જે પોલીસ ફરિયાદ ના આધારે શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને સ્ટાફના જયેશભાઈ ભીમાણી સહિતની પોલીસ ટીમે બંને આરોપીઓ સામે લૂંટ અપહરણ ખંડણી ઉઘરાવવી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી બંનેની શોધખોળ ચલાવાઇ રહી છે.