નવી સિવિલ હોસ્પિટલના વધુ એક કોરોના યોધ્ધા મેઇલ નર્સનું મૃત્યુ
સુનિલભાઇ નિમાવત છેલ્લા પાંચ વર્ષથી સુરત સિવિલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવતા હતા ઃ કોરોના વોર્ડમાં પણ ફરજ બજાવી હતી
સુરતતા.23.જુલાઇ.2020.ગુરૃવાર
સુરતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારા વચ્ચે ફ્રન્ટ લાઈન કોરોના યોદ્ધા એવા સુરત નવી સિવિલ હોસ્પિટલનાં વધુ એક નસગ સ્ટાફનુ મોત થતાં ગમગીની છવાઇ ગઇ હતી.
મૂળ સુરેન્દ્રનગરના હળવદ ગામના વતની અને હાલમાં નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રહેતા 46 વર્ષીય સુનિલભાઈ પ્રભુદાસ નિમાવત છેલ્લા પાંચ વર્ષથી સુરત સિવિલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે કોરોના વોર્ડમાં પણ ફરજ બજાવી હતી. દોઢ માસ પહેલા શરદી-ખાંસી-તાવની તકલીફ થતા સિવિલમાં દાખલ કરાયા હતા. ત્યારે કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ઘરે ગયા બાદ ચાર દિવસ પછી ફરી તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં ૯ દિવસની સારવાર બાદ સાજા થયા હતા.
પણ ત્રણ દિવસ પહેલા ફરી તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સવારે તેમનું મૃત્યુ થયું હતું. તેને પગલે પરિવાર સહિત નર્સિંગ એસોસીએશનના સભ્યોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. નર્સિંગ સ્ટાફે તેમને સલામી સાથે શ્રધ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા સિવિલના ૫૬ વર્ષના નર્સ રશ્મિતાબેન પટેલનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.
..