સુરતના શાહ ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે રૂા. 1.33 કરોડની ઠગાઇની વધુ એક ફરિયાદ
સોશિયલ મીડિયા સ્ટાર દ્વારા 100 દિવસ બાદ 12થી 15 ટકા વળતરનો પ્રચાર કરાવી ઊંચા વળતરની લાલચે રોકાણ કરાવનાર સુરતના ઠગ સામે ભાવનગરના 2 વ્યક્તિએ ફરિયાદ નોંધાવી
સુરત, : નીતીન જાની ( ખજુરભાઈ ), જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી જેવા જાણીતા સોશીયલ મીડિયા સ્ટાર અને ફિલ્મ સ્ટાર મારફતે પ્રચાર કરાવી રોકાણના 100 દિવસ બાદ 12 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી ફુલેકું ફેરવનાર સિંગણપોરના શાહ ઇન્વેસ્ટમેન્ટના સંચાલક દંપતીએ ભાવનગરના 2 વ્યક્તિ પાસે પણ રૂ. 1.33 કરોડ પડાવ્યા હોય સીઆઇડી ક્રાઇમે અલગથી ગુનો નોંઘ્યો છે.
નીતીન જાની (ખજુરભાઈ), જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી જેવા જાણીતા સોશીયલ મીડિયા સ્ટાર અને ફિલ્મ સ્ટાર મારફતે પ્રચાર કરાવી રોકાણના 100 દિવસ બાદ 12 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી સુરતના સિંગણપોર કોઝવે રોડના સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે ઓફિસ ધરાવતા મેનેજિંગ ડિરેક્ટર પૂજા હાર્દિક શાહ (ઉ.વ. 29) અને તેમના પતિ તેમજ શાહ ઇન્વેસ્ટમેન્ટના સીઈઓ અને કોફાઉન્ડર હાર્દિક અશોકભાઈ શાહ (ઉ.વ. 34, બંને રહે. C-101 લક્ષ્મી રેસીડેન્સી, કતારગામ. હાલ રહે.પ્લોટ નં. 10, શેરી નં. 2,ડી.એમ.પાર્ક સોસાયટી, સિંગણપોર, સુરત. મૂળ મહુવા, ભાવનગર) વિરુદ્ધ રૂા 30.95 લાખની ઠગાઇની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં હરેશ ડુંગરાણીએ નોંધાવી હતી.
દરમિયાન દંપતી વિરુધ્ધ ભાવનગરના બે શખ્સોએ પણ રૂા. 1.33 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. ભાવનગર મહુવાના મોબાઇલ શોપ ધારક 42 વર્ષીય પાર્થભાઈ રતીલાલ પંડયાએ (રહે.વિશ્વાસનગર પ્લોટ-30 જયઅંબે, મહુવા) સોશિયલ મીડિયા સ્ટાર અને ફિલ્મ સ્ટારના વિડીયો જોઇને શાહ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાના અને પિતાના નામે રૂા. 15 લાખનું રોકાણ કરતા શાહ દંપતીએ રૂા. 16.20 લાખ પરત કર્યા હતા. જુન- 2024માં નીતીનભાઈ જાની (ખજુરભાઈ) તથા તરૂણભાઈ જાનીની હાજરીમાં શાહ ઇન્વેસ્ટમેન્ટની એપ લોન્ચ થઈ ત્યારે બંનેએ પોતે શાહ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા છે તેમ કહેતા પાર્થભાઈએ વધુ રૂા. 58 લાખનું રોકાણ કર્યું હતું. પણ જાન્યુઆરી- 2025માં મુદત પુરી થઇ ત્યારે શાહ દંપતીએ પેમેન્ટના વાયદા કર્યા હતા, આપેલા ચેક રિટર્ન થયા હતા. તે દરમિયા દંપતી પોન્ઝી સ્કીમ ચલાવતું હોવાની જાણ થતા પાર્થ પંડયાએ સીઆઇડી ક્રાઇમમાં અરજી કરતા તપાસમાં શાહ દંપતીએ ભાવનગર મહુવાના સ્વામિનારાયણ ધામ વીંગ નં.૮- 403 માં રહેતા અશ્વિનભાઈ રાણાભાઇ પાસે પણ રૂ. 75 લાખનું રોકાણ કરાવી ઠગાઇ કર્યાનું જાણવા મળ્યું હતું. જેથી સીઆઇડી ક્રાઇમના સુરત એકમે ગતરોજ શાહ દંપતી વિરુદ્ધ ગુનો નોંઘ્યો હતો. દંપતીની ઠગાઇનો ભોગ બનેલાઓની સંખ્યા હજુ વધવાની આશકા છે.