ઉધનામાં ક્રાઇમ બ્રાંચની ટીમને કચડી નાંખવા પ્રયાસ કરનાર વધુ એક ચીકલીગર પકડાયો
અમન સોસાયટીમાં એક વર્ષ પહેલાની ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું, બે પોલીસ જવાનને ઇજા થઇ હતીઃ એક પકડાયો હતો, બે ભાગી ગયેલા
સુરત તા.29 જુન 2020,સોમવાર
સુરતની
ઉધના અમન સોસાયટીમાં એક વર્ષ અગાઉ ચીકલીગર ગેંગને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ
ઉપર ચોરીની ઇકો કારમાં સવાર ત્રણ ચીકલીગરોએ હુમલો કરી પોલીસને કચડી ભાગવા પ્રયાસ કરી
પોલીસ જવાનોને ઘસડી જતા બે જવાનને ઇજા થઇ હતી. એક ચીકલીગર ત્યારે પકડાઇ ગયો હતો અને
ફરાર થયેલા બે પૈકી એકને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડયા બાદ સુરત ક્રાઇમ બ્રાંચે તેનો
કબજો મેળવી ધરપકડ કરી છે.
ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી કુખ્યાત ચીકલીગર ગેંગ ઉધનાની અમન સોસાયટીમાં કોઈ જગ્યાએ લૂંટ કરવાના ઇરાદે એક સફેદ રંગની ઇકો કાર (નં.જીજે 05 જેએલ 0730 ) માં લૂંટ કરવાની છે તેવી બાતમીના આધારે તા.13 જુલાઇ, 2019 નો મળસ્કે પાંચ વાગ્યે સુરત ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી હતી. ત્યારે ઇકો કારને અટકાવવા પ્રયાસ કરાતા પોલીસ કાફલા પર ચઢાવી કાર ભગાવાતા પીએસાઇ પી.કે.પટેલે સર્વિસ રિવોલ્વરમાંથી ટાયર પર એક રાઉન્ડ ફાયરીંગ કર્યું છતા કાર નહી અટકતા પોલીસ જવાન પરિમલે કાર અટકાવવા પ્રયાસ કરતા તેને ઘસડી જવાયો હતો. અન્ય જવાન નિશીલને પણ પગમાં ઇજા થઇ હતી. બીજું ફાયરિંગ મીસ થયું હતું. જોકે, ઇકો કાર અન્ય વાહનો સાથે ભટકાતી રહેતા બે ચીકલીકર ઉતરીને અંધારામાં ફરાર થઇ ગયા હતા.
જ્યારે કાર ચલાવતો કુખ્યાત ચીકલીગર નાનકસિંગ જોગીન્દરસિંગ ટાંક (રહે. ભેસ્તાન આવાસ, સુરત) ને કવર સાથેની છરી સાથે ઝડપી લીધો હતો. કારમાંથી છરી, ગણેશીયુ, લોખંડની ટોમી, તલવાર, લોખંડની પાઇપ અને નાના મોટા પેચીયા મળ્યા હતા. ભાગી ગયેલા અન્ય બે ચીકલીગર લંબુ ઉર્ફે ઘુંઘરૃ બહાદુરસિંગ તિલપીતીયા તથા રાજવીરસિંગ ઉર્ફે જનરેલસિંગ જોગેન્દરસિંગ (બંને રહે.ભેસ્તાન આવાસ, સુરત) હતા. તમામ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શનિવારે ફરાર બે ચીકલીગર પૈકી ઘુંઘરુસિંગ ઉર્ફે લંબુ બહાદુરસિંગ મંગલસિંગ તિલપીતીયા (ચીકલીગર) (ઉ.50, હાલ રહે. ભેસ્તાન આવાસ, સુરત તથા મ.નં.105, સયાજી પાર્ક, એકતાનગર, આજવા રોડ, વડોદરા. મુળ રહે. નાંદેડ ગુરૃદ્રારા જી. નાંદેડ, મહારાષ્ટ્ર) ને ઝડપી લીધો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગતરોજ તેનો કબ્જો મેળવી ધરપકડ કરી હતી.
ક્રાઈમ
બ્રાન્ચ ઉપર હુમલો કરનાર ચીકલીગર ગેંગ કોઈપણ જગ્યાએથી ઇકો કારની ચોરી કરી તે
કારમાં જઇ બંધ ઘરના તાળાં તોડી ઘરફોડ,
લૂંટ, ધાડ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપે છે
અને બાદમાં ચોરેલી કારને કોઇ પણ જગ્યાએ બિનવારસી મુકી દઈ ફરાર થઈ જાય છે. વર્ષ
અગાઉ જે કાર સાથે તેઓ નીકળ્યા હતા તે તેમણે કામરેજના વેલંજા ખાતેથી ચોરી હતી.
ભૂતકાળમાં વાહનચોરી, ઘરફોડ ચોરીના ગુનાઓમાં ઝડપાયેલી ચીકલીગર
ગેંગ પોલીસ ઉપર હુમલો કરતાં પણ ખચકાતી નથી.