વડોદરાઃ પોલીસના નામે રોફ ઝાડવાનો વધુ એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે.જેમાં ગઇરાત્રે દારૃના નશામાં કાર ચલાવી કેટલાક યુવકો સાથે માથાકૂટ કરનાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર સામે પોલીસના નામે દમદાટી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જો કે અકોટા પોલીસમાં માત્ર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધાયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ગોત્રીની ગંગોત્રી ગિરિવર સોસાયટીમાં ગઇ મધરાતે કેટલાક લોકો ઝઘડો કરી રહ્યા હોવાની માહિતી મળતાં સ્થળ પર જઇ તપાસ કરી હતી.જે દરમિયાન નંબર પ્લેટ વગરની પોલીસ લખેલી કારનો ચાલક વિરેન્દ્રસિંહ યુવરાજ સિંહ ઝાલા(કડુજી નગર,ગંગોત્રી ગિરિવર સોસાયટી,ગોત્રી) દારૃના નશામાં જણાઇ આવ્યો હતો.
ઉપરોક્ત સ્થળે નિખિલ ઝાલા નામના યુવકે પોલીસને કહ્યું હતું કે,હું મારા મિત્રો સાથે મનિષા ચોકડી પાસે પાનના ગલ્લા પાસે હતો ત્યારે ફુલ સ્પીડે પગ પાસેથી નીકળ્યો હતો.ત્યારબાદ અમે પાછળ જતાં ગંગોત્રી ગિરિવર સોસાયટીમાં તે ગયો હતો.જેથી અમે પણ પહોંચતા અમારી સાથે ઝઘડો કર્યો હતો.જેથી પોલીસે વિરેન્દ્રસિંહની ધરપકડ કરી કાર કબજે લીધી હતી.
આ તબક્કે કૃતિક નામના યુવકનો વિડીયો વાયરલ થયો હતો.જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે,વિરેન્દ્રસિંહે કારમાંથી નીચે ઉતરી દંડો બતાવી હું પોલીસમાં છું..ગાળો ખાશો કે દંડો તેમ કહી ધમકાવતાં અમે ચાલ્યા ગયા હતા.ત્યારબાદ અમે ફરી આવ્યા ત્યારે કારચાલકની બીજી વ્યક્તિ સાથે તકરાર થતી હતી.જેથી અમે વીડિયો ઉતારતાં તે ભાગી ગયો હતો.અમે પાછળ જતાં અમારી કારને નુકસાન કરી મને માર માર્યો હતો.
પોલીસ કહે છે,કાર ચાલકે હુમલો કર્યાની ફરિયાદ કોઇએ આપી નથી
અકોટાના પીઆઇ ડીવી બલદાનિયાએ કહ્યું હતું કે,ઝઘડાની જાણ થતાં અમે નશામાં ચૂર વિરેન્દ્રસિંહ સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ કર્યો છે.પરંતુ તેની સાથે ઝઘડો થયાની કે તેણે કોઇની ઉપર હુમલો કર્યો હોવાની અમને લેખિત ફરિયાદ મળી નથી.


