જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસુલવા અંગેનો વધુ એક ગુન્હો નોંધાવાતાં ભારે ચકચાર
જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજની વસૂલાત અંગેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને જામનગરના એક ફરસાણના વેપારી કે જેણે પાંચ લાખ રૂપિયાનું નવ લાખ જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વધુ વ્યાજની માંગણી સાથે વ્યાજ ખોરે 24 લાખ નો હિસાબ માંડીને જામનગરની અદાલતમાં ચેક રિટર્નની ફરિયાદ કરાવી લીધી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને વ્યાજખોર સામે ફરસાણના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને ઉદ્યોગ નગરમાં હાલમાં ફરસાણનું ગોડાઉન ધરાવતા સુમિતભાઈ મહેશભાઈ પારવાણી નામના વેપારી યુવાને જામનગરમાં કે.પી.શાહની વાડી પાછળ નંદન પાર્કમાં આશાપુરા પ્રોવિઝન સ્ટોર ચલાવતા વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લેવા અંગે તેમજ વધુ મુદ્દલ અને વ્યાજની માંગણી કરી રૂપિયા 24 લાખનો ચેક રિટર્ન કરાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરસાણ ના વેપારી સુમિતભાઈ કે જેનું હાલ ઉદ્યોગ નગરમાં ગોડાઉન છે. પરંતુ અગાઉ તેની ફરસાણની ત્રણ દુકાનો હતી, અને પોતાના વેપારની જરૂરિયાત માટે આરોપી વિજયસિંહ જાડેજા પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. જેનો ચાર ટકા લેખે દર મહિને 20,000 રૂપિયા વ્યાજનો હપ્તો ચૂકવતા હતા,અને કુલ 2,50,000ની મુદ્દલની રકમ અને રૂપિયા 4 લાખનું વ્યાજ વગેરે સહિત બે લાખ 60 હજાર સૌ પ્રથમ ચૂકવી દીધા હતા, ત્યારબાદ અન્ય એક સ્કીમમાં બંનેએ રોકેલા નાણા ડૂબી જતા તે પૈકીના દસ લાખ રૂપિયા પણ વેપારીએ આપવા પડશે તેમ કહીને બે લાખ પચાસ હજારનો કોરો ચેક બેંકમાં નાખી ચેક રિટર્ન કરાવી લીધો હતો. સમગ્ર પ્રકરણમાં વેપારી દ્વારા પણ વ્યાજખોરને કુલ નવ લાખ દસ હજાર જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં હજુ મુદ્દલ અને વ્યાજની માંગણી કરાતી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવાનું છે. ઉપરાંત છેલ્લા દોઢેક વર્ષના સમય ગાળા દરમિયાન ઉપરોક્ત આરોપીએ તો જયાદીની દુકાનના અને ગોડાઉનમાંથી આઠથી નવ લાખ જેટલુ ફરસાણ લઈને બારોબાર વેચી નાખ્યો હોવાનું પણ જણાવા નું છે પરંતુ વધુ વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણીના મુદ્દાને ધ્યાનમાં રાખીને ફરસાણના વેપારીએ જામનગરના વ્યાજખોર વિજય સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.