Get The App

સુરતમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા!, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ SMCએ કાપી નાખ્યું

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News

સુરતમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા!, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ SMCએ કાપી નાખ્યું 1 - image

Surat : સુરતને હરિયાળું બનાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસથી વૃક્ષારોપણ અને વિના મુલ્યે રોપા વિતરણ થઈ રહ્યું છે. તો બીજી તરફ પાલિકાના રાંદેર ઝોનમાં પર્યાવરણ માટે ઉપયોગી એવા કદાવર વૃક્ષ થડમાંથી જ કાપી નાખવામાં આવી રહ્યા છે. પાલિકાના રાંદેર ઝોનમાં એક જ અઠવાડિયામાં બીજું મોટું વૃક્ષ કાપી નાખવાની ફરિયાદ થઈ રહી છે. પાલિકા આટલા મોટા વૃક્ષોનું નિકંદન કેમ કાઢી રહી છે તે કારણ જાહેર કરતી નથી. આ ઉપરાંત કાપવામાં આવેલા મોટા વૃક્ષોના લાકડાના પૈસા પાલિકાની તિજોરીમાં જમા થાય છે કે પછી બારોબાર વહીવટ થઈ જાય છે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

સુરતમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા!, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ SMCએ કાપી નાખ્યું 2 - image

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં 3 ઓગસ્ટના રોજ અડાજણ ગુજરાત ગેસ સર્કલની બાજુમાં સંઘવી ટાવરની બહાર મોટા મોટા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ હતી. પરંતુ ગ્રીન સુરતની વાત કરતી પાલિકાએ આ અંગે કોઈ પગલાં ભર્યા નથી કે વૃક્ષ શા માટે કાપી નાખવામાં આવ્યું તે જાહેર કર્યું નથી. પાલિકાની વૃક્ષ કાપનારા સામેની ઉદાસિન ભરેલી નીતિના કારણે શહેર વિસ્તારમાં નાના મોટા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ભુતકાળમાં દુકાન કે હોર્ડિંગ્સને નડતરરૂપ વૃક્ષ કાપવાની ફરિયાદ હતી. પરંતુ હવે તો મોટા વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યા છે. 

સુરતમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા!, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ SMCએ કાપી નાખ્યું 3 - image

પાલિકાના રાંદેર ઝોનમાં 3 ઓગસ્ટના રોજ વૃક્ષ કાપવાની ફરિયાદ બાદ અડાજણ વિસ્તારમાં જ વધુ એક મોટું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ છે. પાલિકાના રાંદેર ઝોનમાં વૃક્ષારોપણ માટે નહી પરંતુ વૃક્ષો કાપવા માટે સ્પર્ધા થતી હોય તેમ અડાજણ આત્માન પાર્ક સોસાયટીની બહાર મોટું વૃક્ષ થડમાંથી કાપી નાખવામાં આવ્યું છે. પુર્વ કોર્પોરેટરે ફરિયાદમાં જણાવ્યું છે કે આ વૃક્ષ કાપવાની કામગીરી પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે. આટલું મોટું વૃક્ષ શા માટે કાપવામાં આવ્યું તે માટે કોઈ માહિતી આપવામાં આવતી નથી. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે પાલિકાના કોન્ટ્રાક્ટરો મોટા વૃક્ષ કાપીને લાકડા લઈ જાય છે તેના પૈસા પાલિકાની તિજોરીમાં જમા થાય છે કે બારોબાર વહિવટ થાય છે તેની પણ તપાસ કરવી જોઈએ. 

Tags :