કાકા સસરા પર હુમલો કરનાર કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલનો વધુ એક સાગરીત પકડાયો
વડોદરાઃ કાકાસસરા પર હિચકારો હુમલો કરવાના બનાવમાં છાણી પોલીસે કાન્હા ગુ્રપના બિલ્ડર ધવલ ઠક્કરના વધુ એક સાગરીતને ઝડપી પાડયો છે.જ્યારે ગઇકાલે પકડાયેલા ત્રણ આરોપીને એક દિવસના રિમાન્ડ પર લીધા છે.
છાણી ગોદામા પેટ્રોલપંપ નજીક રહેતા જગદીશભાઇ ઠક્કરે તેમની ભત્રીજીના દારૃ પીને મારમારતા જમાઇ ધવલ દિપકભાઇ ઠક્કર(આમ્રકુંજ સોસાયટી,ઇલોરાપાર્ક)ને ઠપકો આપતાં તેણે અગાઉ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
બે દિવસ પહેલાં ધવલ ઠક્કર તેની મર્સિડિઝ કારમાં આવ્યો હતો.જ્યારે તેના સાગરીતો બાઇક પર આવ્યા હતા અને પલંગ પર સૂતેલા કાકા સસરા જગદીશભાઇ પર હુમલો કરતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી.
બનાવ અંગે છાણી પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં બિલ્ડરનો પત્તો લાગ્યો નથી.જેથી તેની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી સહિતની ટીમો જોડાઇ છે.જ્યારે,તેના ત્રણ સાગરીતોને ગઇકાલે ઝડપી પાડી મર્સિડિઝ કબજે કરી હતી.
દરમિયાનમાં છાણીના પીઆઇ એપી ગઢવીએ દેવેન્દ્ર ઉર્ફે દર્શન સતપાલસિંગ ચૌધરી(લક્ષ્મી પુરા,સોમનાથ મંદિરની સામે)ની ધરપકડ કરી છે.અગાઉ પાદરા તાલુકામાં થયેલી હત્યાના બનાવમાં દેવેન્દ્રનું નામ બહાર આવ્યું હોવાની પણ માહિતી મળતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.