રખડતા ઢોરના કારણે વડોદરામાં વધુ એક અકસ્માત, ઘાયલ રીક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડાયો
Vadodara Accident : વડોદરા શહેરના ખોડીયાર નગરથી ડીમાર્ટ તરફના માર્ગ ઉપર ગાય આડી આવી જતા સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી છે.
શહેરમાં રખડતા પશુઓના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટે છે. ગઈકાલે રાત્રે ખોડીયાર નગર વિસ્તારમાં અચાનક ગાય આડી આવી જતા અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી છે. આ સમયે ઘટના સ્થળેથી પસાર થતા પ્રત્યક્ષદર્શી વરુણ સોલંકીનું કહેવું છે કે, ગાય ડિવાઈડર ક્રોસ કરતા પસાર થઈ રહેલ રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો, રિક્ષામાં મુસાફર સવાર ન હતા, જ્યારે રીક્ષા ચાલકને હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, અને ટ્રાફિક રાબેતા મુજબ કરવા રિક્ષાને રસ્તાની સાઈડમાં ખસેડી હતી.