Gujarat

સુરત પાલિકાની ચૂંટણી પહેલા કતારગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા

By GS TEAM
10 Feb 20263 mins read
TukuTouch Logo
સુરતના મેયર-સ્થાયી સમિતિ અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રીને રજુઆત બાદ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થઈ : ફરી વખત પ્રજાહિતમાં રિઝર્વેશન દુર કરવા માટેની માંગણી થઈ

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની ચૂંટણી પહેલા કતારગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા

Surat Corporation : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં લાંબા સમયથી ત્રણ ટીપી સ્કીમમાં રહેણાંક મિલકત પર મુકાયેલા રિઝર્વેશન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આગામી પાલિકાની ચૂંટણીમાં આ વિવાદના શાસકો માટે આફત બની શકે તેમ છે. આવા સમયે સુરતના મેયર-સ્થાયી સમિતિ અધ્યક્ષે રાજ્ય સરકારમાં આજે કરેલી રજૂઆત બાદ પાલિકાની ચૂંટણી પહેલાં  કતારગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા વધી ગઈ છે. સુરતના મેયર-સ્થાયી સમિતિ અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રીને રજુઆત બાદ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ફરી વખત પ્રજાહિતમાં રિઝર્વેશન દૂર કરવા માટેની માંગણી કરવામાં આવી હતી. 

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ત્રણ ટીપી સ્કીમ નંબર 49-50 અને 51માં રહેણાંક સોસાયટી પર અને સોસાયટીની વાડી કે સમાજની વાડી પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા. આ રિઝેશનના કારણે મોટી સંખ્યામાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ઘર હોવાથી ભારે વિરોધ થઈ રહ્યો છે. હાલમાં મોટી રેલી કાઢી પાલિકાને સામુહિક આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું અને પાલિકાની ચૂંટણીમાં બતાવી દેવાની પણ ચીમકી આપવામાં આવી હતી. જો પાલિકાની ચૂંટણી પહેલા આ રિઝર્વેશન માટે કોઈ નિર્ણય ન કરવામા આવે તો ભાજપ શાસકો માટે પડકાર બની શકે તેમ છે. આ હકીકત હોવાથી સુરતના મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ આજે રાજ્ય સરકારમાં પહોંચ્યો હતા. 

સ્થાયી અધ્યક્ષ અને મેયરે પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઇને રજુઆત કરી હતી અને ત્યારબાદ સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રજૂઆત કરીને વાસ્તવિકતાનો ચિતાર આપવામાં આવ્યો હતો. સુરત કતારાગમના ધારાસભ્ય વિનોદ મોરડીયા શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે આ રહેણાંક મિલ્કતો પર મુકાયેલા રિઝર્વેશન દુર કરી દેવામા આવ્યા હતા પરંતુ નવા મંત્રી મંડળની રચના બાદ ફરીથી રિઝર્વેશન મુકી દેવાયા હતા. 

આ રિઝર્વેશનના કારણે પાલિકાએ સુચિત પ્રિલિમનરી સ્કીમના અનામત પ્લોટ હોય તેવા સોસાયટીના કોમન પ્લોટ અને વાડીના કબ્જા લેવાની કામગીરી શરુ કરી હતી ત્યારે ભારે વિરોધ થયો હતો. આ સમયે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દરમિયાનગીરી કરીને પ્લોટના કબ્જા લેતા અટકાવવા માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી અને કબ્જા લેવાની કામગીરી સ્થગિત થઈ હતી. જોકે, આ કામગીરી સ્થગિત થઈ હતી પરંતુ રહેણાંક મિલકત પરથી રિઝર્વેશન હટાવવા માટે નો નિર્ણય ન લેવાતા અસરગ્રસ્તોમાં ભારે વિરોધ જોવા મળતો હતો. ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં અસરગ્રસ્તોએ વિશાળ રેલી કાઢી સામુહિક આવેદનપત્ર આપ્યું હતું. આ દિવસે જ અસરગ્રસ્તોએ મેયરને બહાર બોલાવી આવેદનપત્ર આપ્યું હતું અને મુખ્યમંત્રી સાથે નજીકના દિવસોમાં મુલાકાત કરી રજુઆત કરવાની વાત કરી હતી. 

આ મુદ્દો પાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે મોટો પડકાર બની શકે તેમ હોવાની વાત મેયર અને સ્થાયી અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને કરી હતી તેના કારણે આજે છેલ્લે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળતા પાલિકાના પદાધિકારીને થોડો હાશકારો થયો છે. આ જોતાં આગામી પાલિકાની ચૂંટણી પહેલાં પાલિકાના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રહેણાંક મિલકત પર મુકાયેલા રિઝર્વેશન ના મુદ્દે અસરગ્રસ્તોને મોટી રાહત મળે તેવી શક્યતા પ્રબળ થઈ ગઈ છે.