અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખૂની ખેલ, બનેવીએ કરી સાળાની હત્યા

Ankleshwar News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. પારિવારિક તકરારમાં બનેવીએ પોતાના સાળાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કૌટુંબિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં આ ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બનેવી અને સાળા વચ્ચે પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરારે એટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે બનેવીએ આવેશમાં આવીને સાળા પર છરી વડે હુમલો કરી દીધો હતો અને ઉપરા-છાપરી ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. હત્યા પાછળ પારિવારિક ઝઘડો મુખ્ય કારણ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી બનેવીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને સઘન શોધખોળ હાથ ધરી છે. હત્યારાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

