ધરપકડ થાય એ પહેલા જ PSI ફરાર... અંજારની પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ અને મદદગારી કરનાર પોલીસ કર્મી વિરૂદ્ધ FIR

Gujarat News: કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે રહેતી પરિણિત મહિલાને ભગાડી તેની સાથે દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવાઈ છે. ભોગ બનનાર મહિલાએ ઓનલાઈન એક પુરૂષ સાથે મિત્રતા કરી હતી. જે શખ્સે મહિલાના ઘરે જઈ અને તેને ભગાડી ડાકોર ખાતે લઇ ગયા બાદ ત્યાં આરોપીના મિત્ર ડાકોર PSIએ મહિલાનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. અંજાર પોલીસે મહેસાણા જિલ્લામાં રહેતા આરોપી અને મદદગારી કરનાર ડાકોરના PSI સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ગંભીર ફરિયાદ નોંધાતાની સાથે જ PSI પોલીસ વિભાગની કાર્યવાહીથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે. હાલ, ફરાર છે.
અંજાર પોલીસમાં ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મહેસાણાના બાસણા ગામે રહેતો આરોપી ગૌરવ બાબુભાઈ ચૌધરી સાથે મહિલાની ઓનલાઈન મિત્રતા થઈ હતી અને આરોપી તા. 10-07-25ના સવારના સમયે મહિલાના ઘરે આવ્યો હતો અને કપડાં અને જે પણ હોય તે લઈ અને મારી સાથે ચાલ એવું કહ્યું હતું. જેથી મહિલાએ ઘરમાં પડેલા રૂ. 1.20 લાખ અને કપડાં ભરેલો બેગ લઈ ગૌરવ સાથે બોલેરોમાં બેસી નીકળી ગઈ હતી.
આ દરમિયાન ગૌરવના મિત્ર વિસનગરના મગરોડા ગામના વતની અને ડાકોર પોલીસ સ્ટેશનના PSI આકાશ ચૌધરીનો તેને ફોન આવ્યો હતો અને ડાકોર આવી જવાનું કહેતા તે ડાકોરની હોટેલમાં પહોંચ્યા હતા. જ્યાં પીઈએસઆઈ આકાશ પણ પહોંચ્યો હતો અને આકાશે મહિલા સાથે અડપલાં કરી તેનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. તે બાદ ત્યાંથી PSI ચાલ્યો ગયો હતો. જ્યારે આરોપી ગૌરવે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું એના બીજા દિવસે આકાશે પાવાગઢ જતા રહેવાનું કહેતા તેઓ ગયા હતા. ત્યાં પણ ગૌરવે મહિલા પર દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ આકાશે ગોધરા જવાનું કહેતા તેઓ ત્યાં ગયા હતા અને ત્યારથી એક કાર તેમને લેવા અમદાવાદથી આવી હતી તેના ડ્રાઈવરે મહિલાને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.
જે બાદ ફરિયાદી મહિલા અને ગૌરવ અમદાવાદ આવ્યા હતા. જ્યાં ગૌરવની બહેન મળી હતી જેણે ભોગ બનનાર મહિલાને ખેરાલુ મોકલી હતી. જે બાદ ગૌરવ મહિલાને ખેરાલુથી તેના ગામ બાસણા ખાતે લઈ ગયો હતો. જ્યાં ગૌરવના ઘરે તેની બીજી બહેન પણ હતી અને આરોપીની બંને બહેનોએ ફરિયાદી મહિલાને ધમકાવી હતી. જેના બીજા દિવસે મહિલાના માતા-પિતા બાસણા ગામે આવ્યા હતા. મહિલા તેના પિયર જતી રહી હતી. જે બાદ ગૌરવ બાબુ ચૌધરી, આકાશ ચૌધરી અને ગૌરવની બંને બહેનો અને ગોધરાથી અમદાવાદ લઈ જનાર કારના ડ્રાઇવર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ગૌરવનો મિત્ર આકાશ ચૌધરી જે ગુજરાત પોલીસમાં PSI તરીકે ફરજ બજાવે છે. જેના હિસાબે ગૌરવે તેને મેઘપર બોરીચીથી લઈ પહેલા ડાકોર બાદ પાવાગઢ બાદ ગોધરા અને તે બાદ અમદાવાદ ખાતે લઈ ગયો હતો અને આ આકાશે એજ ગૌરવ સાથે મળી મહિલાનો અશ્લીલ વીડિયો પણ ઉતાર્યોે હતો.
આમ, આ બનાવમાં PSI આકાશ ચૌધરીના ઈશારે ગૌરવ મહિલાને અનેક જગ્યાએ લઈ ગયો હતો અને બળાત્કાર ગુર્જાયો હતો. તેમજ આકાશે પણ મહિલા સાથે અડપલા કર્યાનું અને અશ્લીલ વીડિયો ઉતારી લીધાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

