અમીત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં અનિરૂધ્ધસિંહ જાડેજા જ સૂત્રધાર

જૂનાગઢના આરોપી અતાઉલ્લ મણિયારનો ખુલાસો : રિમાન્ડ પૂરા થતાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને અતાઉલ્લને જૂનાગઢ જેલહવાલે કરી દેવાયા
રાજકોટ, : રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં પકડાયેલા મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ જૂનાગઢ રહેતા અતાઉલ્લ મણીયારે પોલીસ સમક્ષ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે અમીત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવાનું કામ અનિરૂધ્ધસિંહ જાડેજાએ જ તેને સોંપ્યું હતું. તે સાથે જ અવારનવાર પોતાને આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવાયાના અનિરૂધ્ધસિંહ જાડેજાના દાવા પોકળ સાબિત થયા છે.
સત્તાવાર રીતે પોલીસે અતાઉલ્લના ખુલાસા અંગે માહિતી આપવાનું ટાળ્યું છે. પરંતુ આધારભૂત પોલીસ વર્તુળોએ કહ્યું કે અતાઉલ્લે અમીત ખૂંટે આપઘાત કર્યો તેના ત્રણ મહિના પહેલા જ તેને હનીટ્રેપમાં ફસાવવા માટે અનિરૂધ્ધસિંહ જાડેજાએ કામ સોંપ્યાની કબૂલાત આપી દીધી છે. જેના ભાગરૂપે તેણે આ કામ તેના ડ્રાઇવર રહીમ મકરાણીને સોંપ્યું હતું.
જેણે અમીત ખૂંટ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણીને તૈયાર કરી હતી. એટલું જ નહીં તેણે તે તરૂણીના સોશિયલ મીડિયાના પાસવર્ડ પણ મેળવી લીધા હતાં. જેના આધારે તેણે અમીત ખૂંટ સાથે ઇન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ ઉપર યુવતી બની ચેટ કરી હતી. આ રીતે અમીત ખૂંટને જાળમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં કાવતરા મુજબ તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવડાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ ગભરાઇ ગયેલા અમીત ખુંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
આધારભૂત પોલીસ વર્તુળોએ દાવો કર્યો કે અતાઉલ્લની આ કબૂલાતથી અનિરૂધ્ધસિંહ જાડેજા જ નહીં પરંતુ તેના પુત્ર રાજદીપસિંહની પણ સંડોવણી ખૂલી રહી છે. જે હાલ આ કેસમાં વોન્ટેડ છે. તેનું કોઇ લોકેશન પોલીસને આજ સુધી મળ્યું નથી. દુબઇ હોવાની સંભાવના પોલીસે દર્શાવી છે.
અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતાં આજે તેને તપાસ કરતી ગોંડલ તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ જૂનાગઢ જેલહવાલે કર્યો હતો. આ જ રીતે તેના મળતિયા અતાઉલ્લના પણ રિમાન્ડ પૂરા થતાં તેને પણ જૂનાગઢની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. બંને આરોપીઓ ઘણા સમયથી મિત્ર છે.
ગોંડલના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા ખૂન કેસમાં આજીવન કેદની સજા પામેલા અનિરૂધ્ધસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કરતાં તેને જૂનાગઢ જેલહવાલે કરાયો હતો. જ્યાંથી ગોંડલ તાલુકા પોલીસે તેનો અમીત ખૂંટ આપઘાત કેસમાં ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. રિમાન્ડ પૂરા થતા જૂનાગઢ જેલની કસ્ટડી હોવાથી ફરીથી ત્યાં મોકલી આપવામાં આવ્યા છે.









