કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં પશુ પ્રત્યે ક્રુરતા ભર્યા કિસ્સાને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં બાંધવામાં આવેલી એક ભેંસ પ્રત્યે કોઈ નરાધમ દ્વારા ક્રૂરતા પૂર્વકનું કૃત્ય કરવામાં આવ્યું હતું, અને ભેંસને દોરડે બાંધીને મૂઢ માર મારી તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે બનાવને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી કે જેઓએ પોતાની વાડી માં ખીજડાના ઝાડ નીચે એક ભેંસ બાંધીને રાખી હતી, જે ભેંસના કોઈ અજ્ઞાત શખ્સે ચારેય પગ દોરડેથી બાંધી દીધા હતા, ત્યારબાદ તેના માથાના ભાગે તેમજ પેટના તથા શરીરના અન્ય ભાગોમાં મૂઢ માર મારી ભેંસનું મૃત્યુ નીપજાવ્યું હતું.
આ બનાવને લઈને ખેડૂત તેમજ આસપાસના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી અને લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી દ્વારા પોતાની વાડીમાં ઘૂસી જઈ પોતાની ૭૦ હજાર રૂપિયાની કિંમતની ભેંસને બાંધી ક્રૂરતા પૂર્વક મારી નાખવા અંગે ની ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. પરમારે પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11 એ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ કૃત્ય આચરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.









