વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાશે
સ્પર્ધામાં વિજેતા પશુના માલિકને પુરસ્કૃત કરાશે
ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓની પસંદગી બાદ ભાગ લઈ શકશે
સુરેન્દ્રનગર - થાન તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વમાં પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળો આજે પણ ગુજરાતી લોકસંસ્કૃતિને ઉજાગર કરે છે ત્યારે આગામી દિવસોમાં યોજાનાર લોકમેળામાં પશુપાલન ખાતા અને પશુપાલન શાખા, જીલ્લા પંચાયત દ્વારા આગામી તા.૨૬ થી ૨૮ ઓગષ્ટ સુધી દરરોજ પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓને પશુચિકિત્સા અધિકારી દ્વારા ગુણવત્તાને આધારે પસંદ કરી હરીફાઈમાં ભાગ લઈ શકશે. વિવિધ વર્ગવાર નિષ્ણાંતની ટીમ દ્વારા નિર્ણય કરી કેટેગરી વાઈઝ ઈનામોનું વિતરણ કરવામાં આવશે. જે પૈકી ચેમ્પિયન ઓફ ધ શોને ઈનામ પેટે રૃ. ૧,૦૦,૦૦૦/- એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ગીર/કાંકરેજ/જાફરાબાદી/બન્ની ખુંટ (પુખ્ત નર), ગીર/કાંકરેજ/જાફરાબાદી/બન્ની ગાય/ભેંસ (પુખ્ત માદા), ગીર /કાંકરેજ/જાફરાબાદી/બન્ની વોડકી/ખડેલી (હિફર) માં પ્રથમ ક્રમને રૃ.૫૦,૦૦૦/- અને દ્વિતીય ક્રમને રૃ.૪૦,૦૦૦/-નું ઈનામ આપવામાં આવશે. તેમજ તમામ પશુઓને રૃ.૪૦૦૦/-નું આશ્વાસન ઈનામ અને પરીવહન તથા નિભાવ ખર્ચ પશુદીઠ રૃ.૧૦૦૦/- આપવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, હળવદ, વાંકાનેર અને મુળી તાલુકાના પશુઓ માટે પશુ દીઠ રૃા.૧૪૦૦/- તેમજ રાજકોટ, સુરેન્દ્રળનગર અને મોરબી જિલ્લાલના અન્ય તાલુકાના પશુઓ માટે પશુ દીઠ રૃા.૪૦૦૦/- તથા આ સિવાયના જિલ્લાસઓના પશુઓ માટે પશુ દીઠ રૃા.૮૦૦૦/- લેખે પરિવહન ખર્ચ પણ ચૂકવવામાં આવશે. આ પ્રદર્શન થકી ગુજરાત રાજયના ખૂણે ખૂણેથી ઉચ્ચ ઓલાદના લક્ષણો ધરાવતા પશુઓ અને પશુપાલકોને નિહાળવાની ઉત્તમ તક મળી રહે છે, તથા સંપર્કનું માધ્યમ પણ બને છે અને આવા પશુઓ રાખવાની લોકોને પ્રેરણા મળી રહે છે.