Get The App

લખતર યાર્ડમાં કપાસના ટેકાના ભાવ કરતા મણ દીઠ રૂ. 200 ઓછા મળતા રોષ

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
લખતર યાર્ડમાં કપાસના ટેકાના ભાવ કરતા મણ દીઠ રૂ. 200 ઓછા મળતા રોષ 1 - image

- કપાસના પોષણક્ષમ ભાવ ચુકવવા ખેડૂતોની માંગ 

- દિવાળી તહેવાર ટાણે જ ઓછો ભાવ ચુકવાતા ખેડૂતોને ફટકો : ટેકાના ભાવે વહેલી ખરીદી શરુ કરવા માંગ

લખતર : લખતર તાલુકાના ખેડૂતોએ પણ મોંઘા બિયારણ, પેટ્રોલ ડીઝલ, કપાસ વિણવાની મજૂરી સહિતનો ખર્ચ કરી કપાસનું વાવેતર અને ઉત્પાદન કર્યું છે પરંતુ ખેડુતોને લખતર એપીએમસીમાં ખેડુતોને સરકારના ટેકાના ભાવ કરતા રૂ.૧૫૦થી ૨૦૦ ઓછા ચૂકવવામાં આવતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. વાવેતરનો ખર્ચો પણ પૂરતા પ્રમાણમાં નીકળે તેમ નથી.

લખતર તાલુકામાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂત સમાજમાં નિરાશા જોવા મળી રહી છે. કપાસના વાવેતર પાછળ મોટા પ્રમાણમાં ખર્ચોે થતો હોય છે, તો કપાસમાં રોગ આવવા સહિતના અનેક પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે. તો ચાલું વર્ષે પાછળથી પડેલા વરસાદના કારણે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જે પાક બચી ગયો છે, તેમાં ખેડૂતોના અનુમાન કરતાં ઘણો ઓછો પાક ઉતરી રહ્યો છે, તેથી ખેડૂતોને સીધું નુકસાન ભોગવી રહ્યાં છે. અધુરામાં યાર્ડમાં ખેડૂતોને પોશણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને પડયા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. 

હાલ દિવાળીના તહેવારને ધ્યાને લઈને ખેડૂતો જ્યારે લખતર એપીએમસીમાં કપાસનું વેચાણ કરવા જાય છે ત્યારે ખેડુતોને સરકારના ટેકાના ભાવ અંદાજે રૂ.૧૬૨૨ પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ ચૂકવવાના બદલે ખેડૂતોને પ્રતિ મણ કપાસના પ્રતિ મણ રૂ.૧૩૦૦થી રૂ.૧૪૪૫ જેટલા ચૂકવવામાં આવતા ખેડૂતોને એકંદરે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. હાલ એક તરફ દિવાળીનો તહેવાર માથે છે ત્યારે બીજી બાજુ ખેડૂતોને ન છૂટકે પ્રતિ મણ રૂ.૧૫૦થી ૨૦૦ ખોટ ખાઈને કપાસ વેચવાનો વારો આવ્યો છે અને આવી જ સ્થિતિ રહી તો ખેડુતોની હાલત વધુ કફોડી બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આથી ખેડુતોને કપાસના પૂરતા ભાવ ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.