Gujarat

સિંગલ પટી રોડ પર અવારનવાર મોટા વાહનો સામસામે આવી જતા નાના વાહનને હાલાકી પડતા રોષ

By GS TEAM
2 Nov 20251 min read
સિંગલ પટી રોડ પર અવારનવાર મોટા વાહનો સામસામે આવી જતા નાના વાહનને હાલાકી પડતા રોષ

- લખતર-લીલાપુર રોડ પર બે એસ.ટી.બસ સામસામે આવી જતા ટ્રાફિકજામ

લખતર : લખતર-લીલાપુર રોડ સિંગલ પટી રોડ છે તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના અમુક પુલ જર્જરિત હોવાથી તંત્ર દ્વારા તેને બંધ કરી આ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આથી નાના મોટા વાહનો સહિત એસ.ટી.બસની અવરજવર આ રસ્તા પર વધુ રહે છે.

જે દરમિયાન લખતર-લીલાપુર રોડ ઉપર સુરેન્દ્રનગર-કારેલા-સુરેન્દ્રનગર રૂટની એસ.ટી.બસ તેમજ અન્ય બહારગામના રૂટની એસ.ટી.બસ સામ સામે બે કિલોમીટર અંતરના માઈલ સ્ટોન પાસે આવી ગઈ હતી. જ્યારે હાલ કમોસમી વરસાદને કારણે રોડની બન્ને સાઈડની માટી ભીની થઈ ગઈ હોવાથી બન્ને એસ.ટી.બસના ડ્રાઈવર અકસ્માત કે બસ પલટી મારી જવાના ડર થી એસ.ટી.બસને રોડ નીચે ઉતારવા તૈયાર નહિ થવાથી રોડની બંને સાઈડ અંદાજે ૨૫ થી ૩૦ મિનિટ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે મુસાફરો અને સ્થાનિકોએ સમજાવ્યા બાદ સાવચેતી પુર્વક બંને એસ.ટી. બસને વારાફરતી સિંગલ પટ્ટી રોડ પર થી આગળ તરફ જવા દેવામાં આવી હતી.