માત્ર ફાંકા ફોજદારી નહીં, લોકોના કામ કરો નહીંતર વિસાવદરવાળી થશે... જનઆક્રોશથી ભાજપમાં દોડધામ
BJP Gujarat: ગુજરાતમાં અત્યાર સુધી બહુમતીના જોરે ભાજપના ધારાસભ્યો મતદારોની સતત અવગણના કરી રહ્યાં હતાં. પરંતુ હવે ચિત્ર બદલાયું હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે લોકો ધારાસભ્યોને સવાલો કરતાં થયા છે અને કામોનો રિપોર્ટ માંગી રહ્યાં છે. એટલુ જ નહીં, હવે મતદારો સ્પષ્ટ શબ્દોમાં ધારાસભ્યોને સંભળાવી રહ્યાં છે કે, વાતોના વડાં કરશો નહીં, પ્રજાના કામો કરો, પરિણામ આપો, નહીંતર વિસાવરદવાળી થશે તે વાત નક્કી છે. વિસાવદર પેટાચૂંટણી પછી ગુજરાતમાં લોકોનો મિજાજ બદલાયો હોય છે ચારેકોર સરકાર વિરોધી દેખાવો- પ્રદર્શન, આદોલનની જાણે સિઝન જામી હોય તેવુ ચિત્ર ઊભુ થયુ છે.
હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લોકોએ ઉધડો લીધો
મોરબીના મતદારોએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે મોરચો માંડ્યો છે. રસ્તા-પાણી સહિત અન્ય પ્રશ્નોનુ નિરાકરણ ન આવતાં જનઆક્રોશ એટલી હદે ભભૂક્યો છે કે, ભાજપના ધારાસભ્યએ લોકો વચ્ચે જવું ભારે થઈ પડ્યુ છે. આ દરમિયાન, હળવદ-ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પણ સ્થાનિકોએ ચિમકી આપીકે, 'માત્ર ફાંકા ફોજદારી કરો નહીં, લોકોના કામો કરો, જો તમે આવુ જ કરશો તો, વિસાવદરવાળી થશે તે નક્કી છે.' સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી ધારાસભ્યનો લોકોએ રીતસર ઉધડો લીધો છે.
મતદારોએ ઉભરો ઠાલવ્યો છે કે, 'વિજળીથી અનિયમિતતાથી લોકો કંટાળ્યાં છે. શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી. સમયસર ખાતર મળતુ નથી. નહેરમાં સિચાઇ માટે પાણી નથી. લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ત્યારે ધારાસભ્ય ફોન સુઘ્ધાં ઉપાડતી નથી.' આ કારણોસર હવે લોકોએ ચિમકી આપવી પડી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સારંગપુરની જર્જરિત ટાંકી બંધ, 60000 નગરજનોને ટેન્કરથી પાણી આપવાનો વારો
ભાજપના એક પછી એક ધારાસભ્યો પ્રજાના રોષનો ભોગ બની રહ્યાં છે. ત્યારે અન્ય ભાજપના ધારાસયભ્યો ડાહ્યા ડમરાં બનીને લોકોના પ્રશ્નો પૂછવા મજબૂર બન્યાં છે. અત્યાર સુધી બિલ્ડરોની ફાઇલો અને કોન્ટ્રાક્ટરોના ટેન્ડર પાસ કરાવવામાં વ્યસ્ત ધારાસભ્યો હવે ઓફિસમાં બેસીને લોકોના પ્રશ્ન ઉકેલવાનો ડોળ કરતાં થયા છે. ધારાસભ્યોને હવે લોકો વચ્ચે જતાં ય ટપલીદાવ અથવા તો વિરોધ થવાનો ડર સતાવી રહ્યો છે. ફેસબુક સહિત સોશિયલ મીડિયામાં તો ભાજપના ધારાસભ્યો સામે કોમેન્ટોનો મારો જામ્યો છે જે એન્ટી ઇન્કમબન્સીનુ ચિત્ર રજૂ કરે છે.
ગંભીરાબ્રિજ દુર્ઘટના, ખાડાવાળા રોડ ઉપરાંત અન્ય પ્રશ્નોને લઇને સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે સાથે સાથે જનઆક્રોશ એટલી હદે ભભૂક્યો છે કે, સરકારવિરોધી માહોલ ઊભો થયો છે. જેના કારણે સરકાર-પક્ષે ધારાસભ્યોને પ્રજા વચ્ચે જવા આદેશ આપવો પડ્યો છે.