નવરંગપુરા સોના રૂપા એપાર્ટમેન્ટ સ્થિત આંગડિયા પેઢીનો સંચાલક રૂપિયા ૭.૭૦ કરોડની ઉચાપત કરી ફરાર
એક સાથે વધારે રકમનું આંંગડિયું ન થઇ શકે તેમ કહી બિલ્ડર પાસેથી પોતાના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા
અમદાવાદ,બુધવાર
શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સાથે નવરંગપુરામાં આવેલી એક આંગડિયા પેઢીના સંચાલકે રૂપિયા ૭.૭૦ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસે મથકે નોંધવામાં આવી છે. બિલ્ડરને એક જમીન ખરીદી અંગે રૂપિયા ૭.૭૦ કરોડની રકમ મોકલવાની હતી. જે એક સાથે આંગડિયું ન થઇ શકે તેવુ જણાવીને આગડિયા પેઢીનો સંચાલક નાણાંની ઉચાપત કરીને ઓફિસને તાળુ મારી પલાયન થઇ ગયો હતો.
શહેરના થલતેજ બાગબાન પાર્ટી પ્લોટ પાસે આવેલા સુક્રુતિ બંગ્લોઝમાં રહેતા જગદીશભાઇ પટેલ રખિયાલમાં એન્જીનીયરીંગ ફેક્ટરી ધરાવે છે અને જમીન લે-વેંચનો વ્યવસાય કરે છે. તે ધંધામાં નાણાંકીય વ્યવહાર અનુસંધાનમાં નવી દિલ્હી ખાતે નાણાં મોકલવા માટે નવરંગપુરા સીજી રોડ આવેલા સોનારૂપા એપાર્ટમેન્ટ સ્થિત એમ રાજેશ આંગડિયા પેેઢીમાં નાણાં મોકલતા હતા. જેથી તેમને આંગડિયા પેઢીના માલિક અરવિંદ પ્રજાપતિ (રહે. તિરૂપતિ શાહીબાગ ટાઉનશીપ,રાધનપુર, મહેસાણા) સાથે પરિચય હતો અને નાની મોટી રકમ લેવા કે પહોંચતી કરવા માટે તે તેમનો સ્ટાફ મોકલતો હતો.
જગદીશભાઇને સાણંદના ઝેઝરા ગામમાં આવેલી જમી ખરીદવાની હોવાથી તેનું ૭.૭૦ કરોડનું પેમેન્ટ આંગડિયા મારફતે કરવાનું હતું. પરંતુ, તેમના એકાઉન્ટમાંથી એક સાથે કરી શકે તેમ ન હોવાથી તેમણે અરવિંદ પ્રજાપતિને વાત કરી હતી. જેથી અરવિંદ પ્રજાપતિએ જગદીશભાઇને કહ્યું હતું કે તમે ચેકથી આંગડિયા પેઢીના એકાઉન્ટમાં રકમ જમા કરાવી દેજો. જે નાણાં તે સુચના મુજબ આંગડિયા કરી આપશે. જેથી વિશ્વાસ કરીને ૬.૬૦ કરોડનો ચેક અને ૧.૧૦ કરોડ રૂપિયા રોકડમાં ચુકવ્યા હતા. જે અરવિંદ પ્રજાપતિના મહેસાણાની બેંક ઓફ બરોડામાં જમા થયા હતા. થોડા દિવસ બાદ જમીન ખરીદીની ડીલ અનુસંધાનમાં જગદીશભાઇએ નાણાં માંગતા અરવિંદ પ્રજાપતિ અલગ અલગ કારણ આપીને વાત ટાળતો હતો. જેથી શંકા જતા જગદીશભાઇએ આંગડિયા પેઢી પર જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતુ ંકે તે અનેક લોકોના નાણાં લઇને આંગડિયા પેઢીને તાળુ મારીને ફરાર થઇ ગયો હતો. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.