સાયલા તાલુકાની આંગણવાડી બહેનોની હડતાળ પર ઉતરી
- કામના ભારણ અને પગાર વધારાની માગ સાથે
- બહેનો પાસે વધારાની સરકારી કામગીરી કરાવી બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે
સાયલા : કામના ભારણ અને પગાર વધારાની માગ સાથે સાયલા તાલુકાની ૮૯ આંગણવાડી કેન્દ્રની ૮૨ બહેનો અને ૭૫ હેલ્પર આજે હડતાળ પર ઉતરી હતી. આજે મમતા દિવસ રાખવામાં આવ્યો હતો તે જ દિવસે તમામ કર્મચારી કામથી અળગા રહ્યાં હતા.
આંગણવાડી કર્મચારી બહેનોની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં સાયલા તાલુકાના ૮૯ આંગણવાડી કેન્દ્રની ૮૨ વર્કર, ૭૫ હેલ્પર જોડાઇ આજ રોજ માસ સીએલ પર ઉતરી એક દિવસ કામથી અળગા રહ્યા હતા. સાયલા આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી થઈ મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે સાયલા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતુ. જ્યારે આજે મમતા દિવસ રાખવામાં આવ્યો હતો તે જ દિવસે તમામ કર્મચારી કામગીરી પર હાજર ન હતા.
આંગણવાડીની મહિલાઓ દ્વારા સૂત્રોચાર કરી પોષણ ટ્રેકરના નામે માનસિક ત્રાસ તેમજ બીએલઓ જેવી વધારાની કામગીરીઓ સોંપતા આવેદન આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. બહેનોએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૮ પછી વેતન વધારો કરવામાં આવ્યો નથી પરંતુ વધારાની કામગીરી સોંપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવે છે.
આંગણવાડીની બહેનો સાથે સીડીપીઓએ ગેરવર્તન કર્યું
સાયલા મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ આંગણવાડીની બહેનો સીડીપીઓ કેસર શેખને પણ પોતાની રજૂઆત કરવા જતા તેમણે ગેરવર્તન કર્યું હતું. બહેનોની રજૂઆત સાંભળવાને બદલે ગુસ્સે થઈ ઉશ્કેરાયા હતા. બહેનો ઉપર ગુસ્સે થઈ પત્રકારોને સાથે કેમ લાવ્યા છો? તમારું આવેદન ટેબલ ઉપર મૂકી અને જતા રહો, મારે કોઈ ફોટા પડાવવા નથી. તમામ બહેનો માસ સીએલ રજા ઉપર ઉતર્યા છો તો ઉપરથી મારે કેટલું સાંભળવું પડયું છે.