Gujarat

આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો ૪.૫ ટકા ફેટનું દૂધ પચાવી શકે નહીં

By GS TEAM
29 Jul 20251 min read
આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો ૪.૫ ટકા ફેટનું દૂધ પચાવી શકે નહીં

 વડોદરા,વડોદરા કોર્પોરેશનની આંગણવાડીઓમાં ત્રણ થી છ વર્ષના બાળકોને દૂધ સંજીવની યોજના અંતર્ગત અગાઉની જેમ જ ૧.૫ ટકા ફેટનું દૂધ આપવાનું ચાલુ કરી દીધું છે.

૧૦૦ મિલી પેસ્ચ્યુરાઇઝ્ડ ફલેવર્ડ મિલ્કના ફેટને ૧.૫ ટકાથી વધારીને ૪.૫ ટકા કરવાની ભલામણ કરવામાં આવી હતી, જે અંગે એમ.એસ. યુનિ.ના  ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના તજજ્ઞાોએ હાલનો ૧.૫ ટકા ફેટનો દર બાળકો માટે વધુ હિતાવહ હોવાનું અભિપ્રાય આપ્યો છે. આટલી ઉંમર ધરાવતા બાળકોને ૪.૫ ટકા ફેટનું દૂધ આપવામાં આવે તો તે પચાવી શકે નહીં એવો મત વ્યક્ત કર્યો હતો.

 જેથી બાળકોને ૧.૫ ટકા ફેટવાળુ જ ફલેવર્ડ મિલ્ક આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરાં ૪૩૮  આંગણવાડીઓ છે, જેમાં ૯૯૧૬ બાળકો આવે છે. જેઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સાથે સાથે પૌષ્ટિક આહાર અને દૂધ આપવામાં આવે છે. દૂધના ફેટમાં વધારો કરવો કે કેમ તે મુદ્દે અભિપ્રાય લેવાનું નક્કી કરવામાં આવતા બાળકોને છેલ્લા કેટલાક દિવસથી દૂધ અપાતું ન હતું, પરંતુ તજજ્ઞાોએ અભિપ્રાય આપ્યા બાદ ગઇકાલથી જ બાળકોને અગાઉની જેમ દૂધ આપવાનું ચાલુ કરી દીધું છે. સરકાર દ્વારા ટ્રાયબલ વિસ્તારમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત બાળકોને મિલ્ક આપવામાં આવે છે. આ યોજનામાં સરકાર દ્વારા શહેરી વિસ્તારનો સમાવેશ કર્યો ન હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોતાના સ્વ-ભંડોળમાંથી દર વર્ષે આશરે ૨ કરોડનો ખર્ચ કરે છે.