રાજકોટમાં એનેસ્થેટિસ્ટ ડોક્ટરનો આપઘાત, કારણ અંગે ઘૂંટાતું રહસ્ય
એનેસ્થેસીયાનો ઓવરડોઝ લઈ જિંદગી ટૂંકાવી લીધી
માતા-પિતા હાલ પુના ગયેલા છે, બીજી પત્ની સાથે છુટાછેડાનો કેસ ચાલતો હતો
રાજકોટઃ રાજકોટની સિનર્જી હોસ્પીટલમાં નોકરી કરતા એનેસ્થેટિસ્ટ જય માધવજીભાઈ પટેલ (ઉ.વ.૩૫)એ પોતાના ફલેટમાં એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ માહિતી મળી નથી.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ નાનામવામાં આવેલા સ્પિડવેલ
પાર્ટીપ્લોટ નજીકનાં સુવર્ણભૂમી એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર બી/૩-૬૦૨માં રહેતા ડો.
જય પટેલ આજે હોસ્પિટલે નોકરી પર ગયા ન હતાં. એટલું જ નહીં મોબાઈલ ફોન પણ રિસિવ
કરતા ન હોવાથી ત્યાનાં એક ડોકટરે પાડોશીને કોલ કરી તપાસ કરવાનું કહ્યું હતું.
જેથી પાડોશી જતા ફલેટનાં તમામ દરવાજા ખુલ્લા હતાં.
બેડરૃમમાંથી ડો.જય પટેલ બેભાન હાલતમાં મળી આવતા પાડોશીએ ૧૦૮ને જાણ કરી હતી. જેના
તબીબે મૃત જાહેર કર્યા હતાં. ત્યાર પછી તાલુકા પોલીસને જાણ કરાતા જમાદાર ભગીરથસિંહ
ખેર અને પ્રોબેશનર પીએસઆઈ સ્થળ પર દોડી ગયા હતાં. જયાં જરૃરી કાર્યવાહી કર્યા બાદ
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડયો હતો. ફોરેન્સીક નિષ્ણાંત તબીબોએ જરૃરી
નમુના લઈ પૃથ્થકરણ માંટે એફએસએલમાં મોકલી આપ્યા છે.
ડો. જય પટેલનો તેના બેડરૃમમાંથી મૃતદેહ મળી આવ્યો ત્યારે
બાજુમાંથી ઈન્જેકશન અનેસ્થેસિયાની દવા પણ મળી આવી હતી. જેના પરથી એનેસ્થેસિયાનો
ઓવરડોઝ લઈ આત્મહત્યા કરી લીધાનાં તારણ પર પોલીસ પહોંચી હતી. બેડરૃમમાંથી એક ટીસ્યુ
પેપર મળ્યું હતું. જેમાં કાઈન્ડલી કોન્ટેક માય અશોક જીજુ એટલું લખેલું મળી આવ્યું
હતું.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, ડો. જય પટેલનાં માતા - પિતા હાલ પુના ગયા છે. જેથી ફલેટમાં
ડો. પટેલ હાલ એકલા હતાં. બપોરે પાડોશીને જાણ થઈ હતી. એટલે ખરેખર કયારે પગલું ભરી
લીધું તે વિશે કોઈ માહિતી મળી નથી. પરીવારજનો પાસેથી એવી પણ માહિતી મળી છે કે, ડો. પટેલે બીજા
લગ્ન કર્યા હતાં. જેમાં છુટાછેડાનો કેસ હાલ ચાલુ છે. જેની સાથે બીજા લગ્ન કર્યા
હતાં તે મહિલા હાલ મુંબઈમાં રહેતા હોવાની માહિતી મળી છે.
આપઘાત પાછળ ગૃહકલેશ કારણભુત હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. જો કે, પોલીસે આપઘાત પાછળ ચોક્કસ કારણ બહાર નહિ આવ્યાનું જણાવ્યું હતું. ડો. પટેલે ટીસ્યુ પેપર ઉપર પોતાના જે અશોક જીજુનો ઉલ્લેખ કર્યો છે તે પણ હાલ બહારગામ હોવાની માહિતી પોલીસને મળી છે. ડો. પટેલ તેના માતા પિતાના એકલૌતા પુત્ર હતાં. તેને એક બહેન છે. જે હાલ હયાત નહિ હોવાનું પણ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ જારી રાખી છે.