Get The App

'હું પતિને કહીને જતી છતા કોલ કરતો, કેમેરા જોઈ શંકા કરતો'

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
'હું પતિને કહીને જતી છતા કોલ કરતો, કેમેરા જોઈ શંકા કરતો' 1 - image


રાજકોટ રહેતી પરિણીતાને સાસરીયાઓ દ્વારા ત્રાસ 'મામીજી તેના ઘરે ફરજીયાત કામ કરવા બોલાવતા, હું ન જાઉ તો પતિ પાસે માર ખવડાવતા હતા'

રાજકોટ, : કોઠારીયા મેઈન રોડ પર રહેતા વિભુષાબેન (ઉ.વ. 25)એ પતિ ધર્મીલ (રહે. સ્કયદર્શન ફલેટ, જીવરાજ પાર્ક, સસરા-સંજયભાઈ, સાસુ-સંગીતાબેન (રહે. અમરાપુર, તા. કુકાવાવ), મામીજી સાસુ-સુનીતાબેન અને મામાજી સસરા-અનીલ ગેવરીયા સામે ઘરકામ બાબતે મેણા-ટોણા  મારી, ગાળો દઈ, મારકુટ કરી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

વિભુષાબેને પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન  2023માં થયા હતા. સગાઈ સમયે વડિલો દ્વારા લગ્ન પછી દંપતીને રાજકોટમાં રહેવાનું તેમ નકકી કરાયું હતું. તેણે સાસરીયાઓને રાજકોટ કયારે રહેવા જવાનું છે તેમ કહેતા ખરાબ વર્તન ચાલુ કરી દીધુ હતું.  ત્યાર બાદ તે પરિવાર સાથે રાજકોટમાં બાલાજી હોલ પાસે આવેલા સાસુના નામના ફલેટમાં રહેવા ગયા હતા. જયાં સાસુ-સસરા 15 દિવસ રોકાયા હતા.   તે સમયે પતિને પાછા ગામડે હાલો અહીં રહેવું નથી કહેતા હતા. ઘરકામ બાબતે પણ સાસુ બોલાચાલી કરતા હતા. પતિ-સસરાને વાત કરતા તે પણ અપશબ્દો બોલતા હતા. સાસુ 'મારા નામનો ફલેટ છે, તો હું તને એકલીને ઘરમાંથી કાઢી મુકીશ' તેવું કહેતા હતા. 

પતિ સાસુ કહે તેટલો જ ઘરખર્ચ આપતો હતો. પતિને કહીને કયાંય જવા છતા તે પાછળથી  ફોન કરતો અને કેમેરા ચેક કરી શંકા કુશંકા કરી ઝઘડો કરતો હતો એટલું જ નહીં મારકૂટ પણ કરતો હતો.  સાસરીયાઓની ચઢામણીથી પતિ તેની સાથે બોલતો ન હતો. પતિ કયાય બહાર લઈ જતો ન હતો અને 'તારા પિયરવાળાને કહે જે પૈસા આપે તેમ કહી ત્રાસ આપતો હતો. મામીજી તેના ઘરે ફરજીયાત કામ કરવા બોલાવતા અને ન જાય તો પતિ પાસે માર ખવડાવતા હતા. મામીજી કહે એમજ કરવાનું, કહે એટલી જ ખરીદી કરવાની  તેવું કહી ત્રાસ આપતા હતા. પતિ મામાજી-મામીજીના ઘરે રહેતો હોય તેની ચઢામણીથી ઝઘડો કરતો હતા. છેલ્લે સાત માસ પહેલા પતિ તેને અમદાવાદ તેના મિત્રના લગ્નમાં તૈયાર હતા બાદમાં ના પાડી દેતા લઈ ગયો ન હતો અને તેને રાજકોટ બહેનના ઘરે મુકી ગયો હતો. બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :