આણંદના માથાભારે સિદ્ધાર્થ રાવની હત્યા ગીરવે મુકેલી કારની લેતીદેતીમાં કરાઈ હતી
સિદ્ધાર્થે વાપરવા આપેલી કાર મિત્ર નિકુંજે તેની જાણ બહાર રૂ.50 હજારમાં ગીરવે મૂકી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો
ઝઘડામાં સિદ્ધાર્થે નિકુંજની પત્ની-પુત્રી વિશે એકફેલ બોલતા તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું
- સિદ્ધાર્થે વાપરવા આપેલી કાર મિત્ર નિકુંજે તેની જાણ બહાર રૂ.50 હજારમાં ગીરવે મૂકી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો
- ઝઘડામાં સિદ્ધાર્થે નિકુંજની પત્ની-પુત્રી વિશે એકફેલ બોલતા તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું
સુરત.: સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં કાર લઈ આવેલા આણંદના માથાભારે યુવાનની કારમાં જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરનાર તેના મિત્ર સહિત બે ની એસઓજીએ ધરપકડ કરી છે. આણંદના સિદ્ધાર્થે આઠ દિવસ અગાઉ વાપરવા આપેલી કાર મિત્ર નિકુંજે તેની જાણ બહાર રૂ.50 હજારમાં ગીરવે મૂકી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં સિદ્ધાર્થે નિકુંજની પત્ની-પુત્રી વિશે એલફેલ બોલતા તેની હત્યા કરવાનું નક્કી કરી તેને બોલાવી હત્યા કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આણંદનો વતની અને અગાઉ ફાઈનાન્સનો ધંધો કરતો તેમજ હથિયાર, મારામારી સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાયેલો 32 વર્ષીય સિદ્ધાર્થ સંદીપભાઈ રાવ ઈનોવા કાર ( નં. જીજે-05-જેએમ-9316 ) લઈને ગત સવારે 8.30 વાગ્યે સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં આવ્યો હતો. ત્યારે અજાણ્યા ઈસમો કારમાં જ તેને બંન્ને પગનાં ઘુટણ તથા સાથળના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સિદ્ધાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાહેરમાં હત્યાને પગલે સરથાણા પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓએ દોડી જઈ તપાસ શરૂ કરી હતી.
દરમિયાન, તપાસમાં જોડાયેલી એસઓજીના કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે સરથાણા ગઢપુર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બાઈક ( નં.જીજે-05-એલએસ-6623 ) પર પસાર થતા નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખભાઈ સાંગાણી ( ઉ.વ.28, રહે.9, સુખ અમૃત સોસાયટી, ઉમરા ગામ, ઓલપાડ, સુરત. તથા ઘર નં.2, સુરેશભાઈ પરમારના મકાનમાં, હરિનગર સોસાયટી, ડભોલીગામ રોડ, ગોવિંદજી હોલની બાજુમાં, સિંગણપોર, સુરત. મૂળ રહે. ભાટીયા, તા. વંથલી, જી.જૂનાગઢ ) અને તેના મિત્ર પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળા ( ઉ.વ.26, રહે.146, સાંકેત રો હાઉસ, મોટા વરાછા ફાયર સ્ટેશનની સામે, સુરત. તથા ઘર નં.12, ધર્મનંદન સોસાયટી, જે.પી.પટેલ સ્કૂલની આગળ, કામરેજ, સુરત. મૂળ રહે. અકાળા, તા.લાઠી, જી. અમરેલી ) ને ઝડપી પાડી તેમની પાસેથી બાઈક અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો.
સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરતા અને અગાઉ લૂંટના ગુનામાં ઝડપાયેલા નિકુંજની એસઓજીએ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કોમન મિત્ર થકી મિત્ર બનેલા સિદ્ધાર્થ પાસે નિકુંજે આઠ દિવસ અગાઉ તેની કાર વાપરવા લીધી હતી. પરંતુ પૈસાની જરુર હોય નિકુંજે સિદ્ધાર્થની જાણ બહાર તે કાર વરાછા વિસ્તારમાં ગીરવે મૂકી રૂ.50 હજાર લીધા હતા. આ અંગે જાણ થતા સિદ્ધાર્થે કાર પરત માંગી હતી. પણ નિકુંજ કાર પરત કરતો ન હોય સિદ્ધાર્થ સોમવારે સુરત આવ્યો હતો અને કાર માંગતા તેનો નિકુંજ સાથે ફોન ઉપર ઝઘડો થયો હતો. ઝઘડામાં સિદ્ધાર્થે નિકુંજને ગાળો આપી તેની પત્ની-પુત્રી વિશે એલફેલ બોલ્યા બાદ મંગળવારે રાત્રે પણ વ્હોટ્સએપ ઉપર ગાળો આપતા અને તેના મિત્ર પ્રકાશ અંગે પણ ગંદી ભાષાનો ઉપયોગ કરી ઓડિયો મેસેજ કર્યા હતા.
આથી ઉશ્કેરાયેલા નિકુંજે પ્રકાશ સાથે મળી સિદ્ધાર્થની હત્યાની યોજના બનાવી તેને ગત સવારે સરથાણા જકાતનાકા ડ્રિમલેન્ડ બિલ્ડીંગ પાસે બોલાવી રહેંસી નાખ્યો હતો અને પોલીસને ગુમરાહ કરવા બંને અલગ અલગ બાઈક ઉપર વિરુદ્ધ દિશામાં ભાગ્યા હતા. નિકુંજનો મિત્ર પ્રકાશ ઉર્ફે ગઢવી અગાઉ પોક્સો એક્ટના ગુનામાં ઝડપાયો છે.