આણંદના યુવકને કેનેડામાં નક્કી કરેલી નોકરી નહીં આપી 50 લાખની ઠગાઈ

- કેનેડાથી પરત ફરી યુવકની 3 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
- વિદ્યાનગરના વાસુદેવ કોમ્પલેક્સમાં ડ્રીમ ઈમીગ્રેશનની ઓફિસ બંધ કરી બંને ભાગીદાર કેનેડા પલાયન
આણંદ : આણંદના યુવક પાસેથી રૂા. ૫૦ લાખ લઈ વર્ક વિઝા દ્વારા કેનેડા મોકલ્યો હતો. પરંતુ, કેનેડામાં જણાવ્યા મુજબ અને નક્કી કરેલી નોકરી નહીં અપાવી વિદ્યાનગરના માતા, પુત્ર અને ભાગીદારે છેતરપિંડી આચરી હતી. યુવાને કેનેડાથી પરત આવતા વિદ્યાનગરની ડ્રીમ ઈમીગ્રેશન નામની ઓફિસ બંધ કરી બંને ભાગીદાર કેનેડા પલાયન થઈ ગયા હતા. આ અંગે યુવાને વિદ્યાનગર ખાતે ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
આણંદના લાંભવેલ રોડ પર આવેલી વિશ્વાસ સોસાયટીમાં રહેતા ઉમેશકુમાર ભાઈલાલભાઈ ઝાલાને નોકરી માટે કેનેડા જવું હોવાથી સોશિયલ મીડિયાના માધ્યમથી સર્ચ કરી વિદ્યાનગર સરદાર પટેલ સ્ટેચ્યૂ પાસે વાસુદેવ કોમ્પલેક્સમાં ડ્રીમ ઈમીગ્રેશનની ઓફિસે તા. ૩-૫-૨૦૨૪ના રોજ ગયા હતા. ત્યાં બ્રિજેશભાઈ સંજયભાઈ પટેલ (રહે. હરિઓમનગર, વિદ્યાનગર) મારી પાસેથી ડૉક્યુમેન્ટ મેળવી તેમની કેનેડા ખાતેની ઓફિસે મોકલી આપી જવાબ આવ્યા બાદ જણાવીશ તેમ કહ્યું હતું. અઠવાડિયા બાદ ફોન આવતા ઓફિસે જતા બ્રિજેશભાઈ સાથે તેમની માતા કિરણબેન સંજયભાઈ પટેલ પણ હાજર હતા. કેનેડામાં અલ્બાર્ટા સ્ટેટમાં એડમીન્ટન સિટીમાં સેટકોસ ઈન્ફ્રાટેક કંપનીમાં તમારી કન્સ્ટ્રક્શન સુપરવાઈઝરની નોકરી નક્કી થાય તેમ છે, ત્યાં તમને કલાકના ૪૨.૫૦ કેનેડિયન ડૉલર વેતન મળશે, ત્રણ વર્ષ માટે વર્ક પરમીટ કરવાની વાત બ્રિજેશભાઈએ કરી હતી. તે કંપનીમાં નોકરી કરીશ તો બે દિકરા અને પત્નીના વિઝાનું કામ પણ કરી આપવાનું તેણે જણાવી વિશ્વાસમાં લઈ ૪૦ લાખ ફીનું જણાવ્યા બાદ રૂા. ૩૮ લાખમાં પરિવારના ચાર સભ્યોના વિઝાના કામનું નક્કી થયું હતું. રૂા. ૧૨ લાખ આપીને તા. ૩૦-૭-૨૪ના રોજ નોટરી લખાણ કરી કામ શરૂ કરતા ઉમેશભાઈના વિઝા મંજૂર થઈ ગયા હતા. ઈમિગ્રેશન લેટર બતાવી નક્કી કરેલી ફી માંગતા ૨૬ લાખ ચૂકવી આપ્યા હતા. બાદમાં બ્રિજેશે કેનેડાથી ફોન કરી તમારા વિઝા સ્ટેમ્પવાળો પાસપોર્ટ તથા લેન્ડિંગ લેટર ઓફિસે આવી ગયો છે, વિઝામાં વધુ ખર્ચ થયો હોવાનું કહી વધુ ૧૨ લાખની માંગણી કરી સિક્યૂરિટી બે ચેક પરત માંગ્યા હતા. વિદ્યાનગરની ઓફિસ ખાતે તેમના ભાગીદાર દર્શીલ કેતનકુમાર પટેલને વધારાના ૧૨ લાખ અને ચેક તા. ૧૭-૧-૨૦૨૫ના રોજ આપ્યા હતા. બાદમાં તા. ૧૧-૨-૨૦૨૫ના રોજ કેનેડા જતા તપાસ કરતા કંપનીના સરનામાવાળી જગ્યાએ રહેણાંક મકાન હતું. બાદમાં બ્રિજેશે કેનેડામાં ઉમેશભાઈને બે મહિના ગોળ ગોળ ફેરવી અન્ય એક કંપનીનું સરનામાનો લેટર આપતા ત્યાં પણ તપાસ કરતા તે કંપનીના માલિકે આવો કોઈ લેટર ઈશ્યૂ કર્યો નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં છેતરપિંડી થયાનું જણાતા રૂપિયા પરત માંગતા રૂપિયા પરત નહીં મળે તેમ કહી દીધું હતું. તા. ૧૪-૭-૨૦૨૫ના રોજ ભારત પરત આવીને વિદ્યાનગરની ઓફિસે તપાસ કરતા ઓફિસ બંધ થઈ ગઈ હતી. દર્શીલ પણ કેનેડા જતો રહ્યો હતો.








