Gujarat

આણંદ એસટી ડેપોએ 611 નવી ટ્રીપ દોડાવી 26 લાખની આવક કરી

By GS TEAM
26 Oct 20252 mins read
આણંદ એસટી ડેપોએ 611 નવી ટ્રીપ દોડાવી 26 લાખની આવક કરી

- ડેપોમાં 47 ડ્રાઈવર અને 12 કન્ડક્ટરની ઘટ

- લાભ પાંચમ પછી ગુજરાતના અન્ય ડેપોમાંથી મુસાફરોને પરત લાવવા ફરી નવારૂટ દોડાવાશે

આણંદ : દિવાળીના પર્વમાં નડિયાદ એસટી ડિવિઝનના આણંદ વિભાગ દ્વારા ૬૧૧ જેટલી લાંબા અંતરની ટ્રીપો દોડાવીને ૨૬ લાખ કરતા વધુ રકમની આવક આણંદ વિભાગે મેળવી છે. 

આણંદ વિભાગના એસટી તંત્ર દ્વારા દિવાળીના પર્વમાં ૧૬ ઓક્ટોબરથી દિવાળી સુધી આણંદથી રાજ્યભરના વિવિધ શહેરોને જોડતી જેમાં અમદાવાદ, ઝાલોદ, દાહોદ, સાવરકુંડલા, અંબાજી, મહેસાણા, બહુચરાજી, વડોદરા, ગારીયાધાર, સુરત, ભરૂચ, પાલનપુર, પાલનપુર સહિત કચ્છ અને અન્ય વિસ્તારોમાં ખાસ નવી એસટી બસોના રૂટ દોડાવવામાં આવ્યા હતા. આણંદ વિભાગીય તંત્ર દ્વારા કુલ ૬૧૧ જેટલા નવા રૂટ દિવાળી પર્વ નિમિત્તે શરૂ કરાયા હતા. જેમાં આણંદ ડેપોમાંથી ૧૭૨, બોરસદ ડેપોમાંથી ૧૬૭, પેટલાદ ડેપોમાંથી ૧૩૮, ખંભાત ડેપોમાંથી ૧૩૪ જેટલા નવા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. 

આણંદ ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર અક્ષય સોલેરાએ જણાવ્યું હતું કે, દિવાળી પર્વમાં નવા રૂટને કારણે અંદાજિત ૨૬ લાખની આવક આણંદ વિભાગને થવા પામી છે. 

નવાઈની વાત એ પણ છે કે, હાલ આણંદ ડેપોમાં ૪૭ ડ્રાઇવર તથા ૧૨ જેટલા કંડકટરની જગ્યા ખાલી હોવા છતાં સરકાર દ્વારા નવી નિમણૂકો કરવામાં આવી નથી જેથી દિવાળીના પર્વમાં ડ્રાઇવર અને કંડકટરને ડબલ ડયુટી કરાવીને નવી ટ્રીપોનું સંકલન કરવામાં આવ્યું હતું.

લાભ પાંચમ પછી રાજ્યના અન્ય ડેપોમાં મુસાફરોની સંખ્યા વધી જશે તો તમામ મુસાફરોને પરત લાવવા માટે આણંદ ડેપોમાંથી ફરીથી આવા તમામ રૂટ શરૂ કરવામાં આવશે.