Gujarat

આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન

By GS TEAM
30 Aug 20252 mins read
આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન

- રોડ પર ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા

- ભાલેજ ઓવરબ્રિજ પાસે 20 થી વધુ સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસતા રહીશોને હાલાકી

આણંદ : આણંદ ત્રણ કલાકમાં અઢી ઈંચ વરસાદે શહેરને જળમગ્ન કરી દીધું હતું. ૨૦થી વધુ સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશો હાલાકીમાં મૂકાયા હતા. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ જતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

આણંદ શહેરમાં સવારે ૧૦થી બપોરે ૧ ત્રણ કલાકમાં જ ૨.૦૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે શહેરના ભાલેજ ઓવરબ્રિજ પાસે આવેલી ૨૦થી વધુ સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશોને પાણી ઉલેચવાની ફરજ પડી હતી. ઘરવખરીને પણ નુકસાન થવા પામ્યું હતું. શહેરના મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. અમુલ ડેરી રોડ ઉપર આવેલા ડાયવર્ઝન માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી તેમજ કલેક્ટર કચેરીના રોડ ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. 

શહેરમાં પાણી ભરાતા મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટની પોલ ખુલી પડી હતી. શહેરમાં સતત ત્રણ કલાક વરસેલા વરસાદે શહેરને જળમગ્ન કરી દીધું હતું. 

કેટલાક વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન થયું હતું. આણંદ શહેરમાં સ્કૂલમાંથી છૂટેલા બાળકોને પણ પોતાને ઘેર જવા માટે પાણી ખૂંદીને જવું પડયું હતું. કેટલાક રોડ ઉપર બંધ પડેલા વાહનોને ધક્કા મારતા વાહન ચાલકો પણ નજરે પડયા હતા.

આણંદ જિલ્લામાં મોડી સાંજે છ વાગ્યા સુધીમાં તારાપુરમાં શૂન્ય, સોજીત્રામાં ૨૪ મિ.મી., ઉમરેઠમાં ૭૫ મિ.મી., આણંદમાં ૫૮ મિ.મી., પેટલાદમાં ૭ મિ.મી., ખંભાતમાં ૬ મિ.મી., બોરસદમાં ૮ મિ.મી., આંકલાવમાં ૧૦ મિ.મી. વરસાદ પડયો હતો. 

આણંદ શહેરમાં કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા

આણંદને શહેરના નવા બસ સ્ટેન્ડ, જુના બસ સ્ટેન્ડ, મંગળપુરા, ચાવડાપુરા, ગંજ બજાર, બેઠક મંદિર, ખોડીયાર માતા મંદિર, બાકરોલથી વડતાલ રોડ, વિદ્યાનગર નાના બજાર વિસ્તાર, યુનિવસટી કેમ્પસ સહિત આણંદના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો.