Gujarat

આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો

By GS TEAM
23 Aug 20251 min read
આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો

- હજૂ બે દિવસ વરસાદ પડવાની સંભાવના

- શહેરમાં નીચાણવાળા વિસ્તારો અને રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

આણંદ : આણંદ જિલ્લામાં ગુરૂવાર બાદ શુક્રવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. આણંદમાં ૩૩ મિ.મી. અને ઉમરેઠમાં ૨૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આણંદ શહેરના કેટલાય નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહારમાં તકલીફો સર્જાઈ હતી.

આણંદમાં શુક્રવારે વહેલી સવારથી વરસાદે ગતિ પકડી હતી. બપોર બાદ જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો. આણંદ શહેરમાં ૩૩ મિ.મી., ઉમરેઠમાં ૨૫ મિ.મી., તારાપુરમાં ૬ મિ.મી., સોજીત્રામાં ૧૨ મિ.મી., પેટલાદમાં ૨૨ મિ.મી., આંકલાવમાં ૧૧ મિ.મી. તેમજ ખંભાત અને બોરસદમાં આંશિક વરસાદ સાંજે ૬ વાગ્યા સુધી પડયો હતો.

આણંદ શહેરમાં બપોર પછી વરસાદે એકાએક જોર પકડતા એક કલાક સુધી વરસાદ વરસ્યો હતો. આણંદ શહેરના ભાલેજ રોડ, ઈસ્માઈલ નગર, ગણેશ ચોકડી, કલેકટર કચેરી રોડ, સ્વસ્તિક થિયેટર રોડ, ગંજ બજાર, અમૂલ ડેરી રોડ સહિતના વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ હતી. હજુ પણ બે દિવસ વરસાદ પડે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે.