Get The App

આણંદના એનઆરઆઈને હનીટ્રેપમાં ફસાવ્યો : સુરતની ગેંગના 4 પકડાયા

Updated: Feb 6th, 2025

GS TEAM


Google News
Google News
આણંદના એનઆરઆઈને હનીટ્રેપમાં ફસાવ્યો : સુરતની ગેંગના 4 પકડાયા 1 - image


- અમેરિકાથી આવતા યુવતીએ વેન્ડર ચોકડી બોલાવ્યો હતો

- ડ્રગ્સ, બળાત્કાર અને એટ્રોસિટીનો કેસ કરવાનું કહી 5 લાખ માંગ્યા : છટકું ગોઠવી બાપુનગરની આંગડિયા પેઢીમાંથી પકડયા

આણંદ : આણંદના એનઆરઆઈને હનીટ્રેપમાં ફસાવી સુરતની ગેંગે ૭૫૦૦ બળજબરીથી પડાવ્યા બાદ નધુ નાણાંની માંગણી કરી હતી. ત્યારે અમદાવાદના બાપુનગરની આંગડિયા પેઠીમાં છટકું ગોઠવી સુરતની હનીટ્રેપ ગેંગને આણંદ એલસીબીએ ઝડપી પાડી હતી. આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ગેંગના ચાર શખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. જેમાં સુરતની આ હનીટ્રેપ ગેંગના વધુ કરતૂતો બહાર આવવાની શક્યતા છે.

મૂળ આણંદના અને હાલ અમેરિકા રહેતા મનીષકુમાર ઘનશ્યામભાઈ પટેલને મહિના પહેલા ફેસબૂક પર હેતલ પટેલ નામના આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. બાદમાં બંને વચ્ચે મેસેજની આપ-લે થતી હતી. જાન્યુઆરી-૨૦૨૫માં મનીષકુમારે ભારત આવ્યા હોવાનું જણાવતા આણંદના નવા બસ સ્ટેન્ડ બહાર બંને મળ્યા હતા. ત્યાં પોતાની ઓળખ કિંજલ પટેલ જણાવી યુવતી મનીષકુમાર પટેલના ટુવ્હીલ પાછળ બેસી વેન્ડોર ચોકડી ખાતે લઈ આવી હતી. જ્યાં કોઈને ફોન કરતા કારમાં આવી ચઢેલા ચાર શખ્સોએ પોલીસની ઓળખ આપી આઈકાર્ડ જેવું બતાવી અજયભાઈ હોવાનું કહી બંનેને કારમાં બેસાડી હાઈવે તરફ હંકારી દીધી હતી. બોરિયાવી પહોંચતા અજયભાઈનામના શખ્સે યુવતી ડ્રગ્સમાં વોન્ટેડ છે, અમેરિકાથી ડ્રગ્સ લાવી છોકરીને સપ્લાય કરવા આવ્યા હતા, ટુ-વ્હીલરની ડિકીમાં ડ્રગ્સ મૂકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે અને યુવતી દલિત છે તેણીના માતા-પિતાને બોલાવી ડ્રગ્સ, બળાત્કાર અને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પતાવટ માટે રૂા. ૨૦ લાખની માંગણી કરતા રકઝક બાદ પાંચ લાખમાં સોદો નક્કી કર્યો હતો. બાદમાં વેન્ડર ચોકડી પરત લાવી મનીષકુમાર પટેલ પાસેથી ૭,૫૦૦ બળજબરીથી કાઢી લઈ મોબાઈલના એફબીમાં હિસ્ટ્રી ડિલિટ કરી અજયભાઈ નામના શખ્સે આવતી કાલે પાંચ લાખ આપી જજે કહી કાર લઈ જતા રહ્યા હતા. 

સમગ્ર ઘટના અંગે મનીષકુમાર અને કાકા વિજયભાઈએ આણંદ એલસીબીની ટીમને જાણ કરતા છટકું ગોઠવ્યું હતું. બાદમાં અજયભાઈ નામના શખ્સનો ફોન આવતા અઢી લાખની વ્યવસ્થા થઈ હોવાનું જણાવ્યું હતું. આંગડિયા પેઢી દ્વારા મોકલી આપવા જણાવતા પોલીસની સૂચના મુજબ મનીષકુમારે આણંદ સ્ટેશન રોડ ઉપરની આંગડિયા પેઢી મારફતે નાણાં મોકલ્યાની સ્લીપ વૉટ્સએપ કરી હતી. જેથી અજયભાઈ સહિતના શખ્સો અમદાવાદના બાપુનગરની આંગડિયા પેઢીએ નાણાં લેવા આવતા એલસીબીની ટીમે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન અજયભાઈ પોલીસની ઓળખ આપનારો ચિરાગ ગોબરભાઈ જાદવ, એફબીની હિસ્ટ્રી ડિલિટ કરનારો હર્ષદ નારણભાઈ જાદવ, હેતલ પટેલનું આઈડી અને કિંજલ પટેલની ઓળખ આપનારી કાજલ બાબુભાઈ પરબત તથા ભાવેશ જયસુખભાઈ બાંભણિયા તમામ રહે. સુરતવાળા હોવાનું જણાવ્યું હતું. ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી તમામ વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન સુરતની ગેંગે હનીટ્રેપમાં અન્ય કેટલાકને ફસાવી નાણા પડાવ્યા હોવાની વિગતો પણ ઉજાગર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

ચિરાગ જાદવ વિરૂદ્ધ અગાઉ અમદાવાદ, સુરતમાં ગુના

ઝડપાયેલા ચિરાગ ગોબરભાઇ જાદવ સામે અગાઉ ૨૦૨૪માં અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેમાં ઈજાગ્રસ્ત બહેનને ઘરે મુકવા ગયા હતા. ત્યારે ચિરાગ જાદવ સહિતના અન્ય શખ્સોએ ત્યાં જઈ કુટણખાનું ચલાવતા હોવાનું જણાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. સાથે ૨૦૨૨માં સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં પણ ચિરાગ જાદવ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ગેંગની અન્ય મહિલા સહિત 3 ના નામ પણ ખૂલ્યા

સુરતની ગેંગ દ્વારા આણંદના એનઆરઆઇ સાથે કરવામાં આવેલી હનીટ્રેપમાં અન્ય એક મહિલા સહિતના ત્રણ શખ્સો પણ ગેંગમાં સામેલ હોવાનું ખુલ્યું છે. જેમાં કૌશિક હરિયાણી ઉર્ફે ભોલો રહે.  સાવરકુંડલા- અમરેલી, જયસુખ રબારી અને અસ્મિતા બંને રહે. સુરતવાળાનો સમાવેશ થાય છે. આ ત્રણેય હજી સુધી પોલીસ પકડથી દૂર રહ્યા છે.

Tags :