સરદારના વતનની ઓળખ ભૂંસાઈ જવાની ભીતિ વચ્ચે
શ્વેત ક્રાંતિ, શિક્ષણ, કૃષિ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા લોગો અંગે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા
આણંદ: આણંદ મહાનગરપાલિકાના પ્રાથમિક લોગોની પસંદગી કરવામાં આવી છે.
આણંદ નગરપાલિકામાંથી મ્યુનિ. કોર્પોરેશનમાં પરિવર્તિત થતાં મનપાને નવી ઓળખ આપવા માટે વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મનપાના લોગો ડિઝાઈનની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ૫૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. તંત્ર દ્વારા રાજકોટના ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવેલા લોગોની મનપાના પ્રાથમિક લોગો તરીકે પસંદગી કરવામાં આવી છે.
સોનેરી પાનનો મુલક ગણાતા ચરોતર પ્રદેશનો આણંદ જિલ્લો કૃષિ ક્ષેત્રે અગ્રેસર છે. શ્વેત ક્રાંતિ લાવનારો આણંદ જિલ્લો સહકારી ક્ષેત્રે પણ મોખરાનું સ્થાન ધરાવે છે. તેમજ લોખંડી પુરૂષ સરદાર પટેલનું વતન અને કર્મભૂમી જિલ્લાની આગવી ઓળખ છે. મહાપાલિકાના પ્રાથમિક લોગોમાં જિલ્લાની તમામ ખાસિયતોને આવરી લેવામાં આવી છે.
કરમસદને આણંદ મનપામાં સમાવેશ કરાતા સરદાર પટેલના વતનની તેમજ શિક્ષણનગરી વલ્લભવિદ્યાનગરનો સમાવેશ કરાતા તેની આગવી ઓળખ ભૂંસાઈ જવાની ભીતિ હોવાનું જણાવી કરમસદવાસીઓ દ્વારા મનપામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોગોની મધ્યમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આકૃતિ બનાવવામાં આવી છે. લોગોના મથાળે દૂધનું ટીંપુ શ્વેત ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તેની નીચે પુસ્તકનો આકાર શિક્ષણ અને જ્ઞાાનપ્રાપ્તિની સંસ્કૃત્તિનું પ્રતિક છે. ફૂલ અને પાનની ડિઝાઈન જિલ્લાના વિવિધ કૃષિ વારસા અને કૃષિ યુનિવર્સિટીને રજૂ કરે છે. જ્યારે આધુનિક ઈમારતો શહેરના વિકાસ, ગ્રીન અને સ્માર્ટ સિટીની પ્રગતિશીલ સ્થિતિ દર્શાવે છે. લોગોની ડિઝાઈનમાં જરૂરી સુધારા, વધારા માટે મનપાના નાગરિકો તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં પોતાના સુચનો મ્યુનિ. કમિશનરને મોકલી શકશે. નાગરિકોના સૂચનોને ધ્યાને લીધા બાદ મનપાના લોગોની અંતિમ ડિઝાઈન નક્કી કરી તેનું અનાવરણ કરવામાં આવશે.


