| AI IMAGE |
Petrol attack in Anklav: આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર મામલે ચાલી રહેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના જ એક જાગૃત ખેડૂતે મહિલા સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજી કરતા ઉશ્કેરાયેલા સરપંચના પરિવારે યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને બચાવવા ગયેલો તેનો પુત્ર ગંભીર રીતે દાઝી જતાં ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર વિવાદ?
મળતી માહિતી મુજબ, અંબાવ ગામના ભરતભાઈ પઢિયાર નામના યુવકે ગામના મહિલા સરપંચ કોકિલાબેન પઢિયાર સામે વિકાસકામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સત્તાવાર અરજી કરી હતી. આ બાબતની અદાવત રાખીને સરપંચના પરિવારે ભરતભાઈ પર જીવલેણ હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું.
પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ
આક્ષેપ મુજબ, સરપંચના પતિ અને તેમના પુત્રોએ ભરતભાઈને આંતરીને તેમના પર પેટ્રોલ છાંટ્યું હતું અને દિવાસળી ચાંપી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈ પિતાને બચાવવા માટે તેમનો પુત્ર વચ્ચે પડ્યો હતો, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા આંકલાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને મહિલા સરપંચ સહિત પરિવારના કુલ ચાર સભ્યો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક રાજકારણમાં ભ્રષ્ટાચારના મુદ્દે થયેલા આ જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


