આણંદના ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ઝડપાયા
રૂા.2 લાખની લાંચના પ્રકરણમાં ફરાર
દોઢ મહિનાથી ક્યાં છુપાયા અને લાંચમાં કેટલો ભાગ હતો તે અંગે એસીબીની પૂછપરછ
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ મકરપુરા વિસ્તારમાં રહેતા મૂળ કરજણ તાલુકાના રેતીના વેપારીએ વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા માટે વડોદરાની ખાણ ખનિજ વિભાગની ઓફિસમાં ઓનલાઇન અરજી કરી હતી.
જેની મંજૂરી માટે સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂા.૨ લાખ આપવા પડશે તેમ કહી લાંચની માંગણી કર્યા બાદ તા.૧૨મેની રાત્રે અટલાદરા વિસ્તારમાં આવેલ બીએપીએસ હોસ્પિટલની બાજુમાં પ્રેમવતી રેસ્ટોરન્ટમાં પ્રથમ યુવરાજસિંહ અને બાદમાં કોમ્પ્યૂટર ઓપરેટર કિરણ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
જ્યારે આ કેસમાં ભૂસ્તરશાસ્ત્રી રવિ કમલેશકુમાર મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત જીતેન્દ્રકુમાર પટેલ ઝડપાયા ન હતાં.
લાંચના કેસમાં ધરપકડથી બચવા બંનેએ વડોદરા અને હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી પરંતુ નામંજૂર થતા આખરે ખાણ ખનિજખાતાના બંનેની આજે ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા દોઢ મહિનાથી ફરાર રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ અત્યાર સુધી ક્યાં છુપાયા હતા તેમજ લાંચ કેસમાં કેટલો ભાગ હતો તે વિગતો માટે બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે રવિ મિસ્ત્રી આણંદના ભૂસ્તરશાસ્ત્રી હતા પરંતુ વડોદરાનો ચાર્જ તેમની પાસે હતો તેવી જ રીતે જ્યારે સંકેત પટેલની આણંદથી થોડા દિવસો પહેલાં જ વડોદરા બદલી થઇ હતી.