આણંદ જિલ્લા કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ 15 હજારની લાંચ લેતા ઝડપાયો
- 25 હજાર પૈકી અગાઉ 10 હજાર લઈ લીધા હતા
- મકાનનો કબજો લેવા આવતા માણસો અને નોટિસની જાણ કરવા માટે વર્ગ-૩ના કર્મચારીએ લાંચ માંગી હતી
ફરીયાદી વિરુધ્ધ બેન્ક દ્વારા સરફેસી એક્ટ હેઠળ મકાનનો કબ્જો બેંકને સોંપવા આણંદ સિવિલ કોર્ટે તા.૨૩/૦૪/૨૦૨૫ના રોજ હુકમ કર્યો હતો. હુકમની અમલવારી કરવા જણાવતા તા.૩૧/૦૮/૨૦૨૫ના રોજ કોર્ટ કમિશનર તથા આણંદ જિલ્લા કોર્ટમાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩ ઉસ્માનગની ઇસ્માઇલગની મીર (રહે. મકાન નંબર-બી/૨, ૪૦૬, ઇકરા રેસીડન્સી, ભાલેજ ઓવરબ્રિજ પાસે, આણંદ) ફરિયાદીના ઘરે ગયા હતા પરંતુ, મકાનનો કબજો બેંકને આપ્યો ન હતો. બાદમાં આરોપી ફરિયાદીને રૂબરૂમાં અને ટેલીફોનિક સંપર્ક કરી મકાનનો કબજો લેવા કોર્ટના માણસ આવે તેની જાણ તથા આગામી પજેશન (કબ્જા)ની નોટીસ નીકળશે તેની જાણ કરવા સારુ આરોપી ઉસ્માનગનીએ વ્યવહાર પેટે રૂ.૨૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે પૈકી રૂ.૧૦,૦૦૦ આગાઉ લઇ લીધેલા હતા. બાકીના રૂ.૧૫,૦૦૦ની માંગણી કરતા લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા. ત્યારે સંપર્ક કરતા એસીબીએ આજે અમૂલ ડેરી સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણા રૂ.૧૫,૦૦૦ની માંગણી સાથે સ્વીકારતા પકડાઈ ગયો હતો.