આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યા, અજાણ્યા શખસો ચપ્પુના ઘા ઝીંકી ફરાર
Anand News : આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલ તળાવ પાસે આજે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ કાઉન્સિલરની હત્યા, હત્યાનું કારણ અકબંધ
મળતી માહિતી મુજબ, પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલા સવારે ચાલવા માટે બાકરોલ તળાવ પાસે ગયા હતા. આ દરમિયાન અજાણ્યા શખસોએ તેમને આંતરી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ ઈકબાલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
હાલ પૂરતું હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પર તપાસ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કોંગ્રેસમાં શોકનો માહોલ
પૂર્વ કાઉન્સિલરની હત્યાની ઘટનાને પગલે આણંદ કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ શહેરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.