આણંદ: આંકલાવમાં શારીરિક અસક્ષમ યુવતીને જાળમાં ફસાવી પરિણીત યુવકે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand Crime Case: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિણીત યુવકે 21 વર્ષીય શારીરિક રીતે અસક્ષમ યુવતીની લાચારીનો લાભ ઉઠાવી, તેને પ્રેમજાળમાં ફસાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ શરમજનક ઘટનામાં યુવતી ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
મીઠી વાતો કરી યુવતીને જાળમાં ફસાવી
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અજય પઢિયાર નામના યુવકે 21 વર્ષની શારીરિક અસક્ષમ યુવતી પર દાનત બગાડી હતી. આરોપી પોતે પરિણીત હોવા છતાં યુવતી સાથે મીઠી મીઠી વાતો કરી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આશરે સાડા ચાર મહિના પહેલાં આરોપીએ યુવતીને એકાંતમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
પરિવારજનોને જાણ થતા ચકચાર
યુવતી ગર્ભવતી બની જતાં તેના શારીરિક ફેરફારો જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પરિવારે જ્યારે પુત્રીની સઘન પૂછપરછ કરી ત્યારે તેણે પોતાની સાથે બનેલી આપવીતી અને અજય પઢિયારના કરતૂતો વિશે જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી હતી.
પીડિત યુવતીના પરિવારજનોએ તાત્કાલિક આંકલાવ પોલીસ મથકે પહોંચી આરોપી અજય પઢિયાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આંકલાવ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી અજય પઢિયારની ધરપકડ કરી લીધી છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.








