Gujarat

આણંદની 'અલ ફલાહ ટુર્સ' દ્વારા ઉમરાહના બહાને 58 યાત્રિકો સાથે રૂ. 35.85 લાખની છેતરપિંડી

By GS TEAM
22 Jan 20262 mins read
આણંદની 'અલ ફલાહ ટુર્સ' દ્વારા ઉમરાહના બહાને 58 યાત્રિકો સાથે રૂ. 35.85 લાખની છેતરપિંડી

- 'અલ ફલાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ'ના માલિક સહિત 4 સામે પોલીસ ફરિયાદ

- 4 મહિના પહેલા પૈસા ભરે તેને રૂ. 65,000 માં અને 4 મહિના પછી પૈસા ભરે તેને રૂ. 75,000 માં ઉમરાહ કરાવવાની સ્કીમ જાહેર કરી હતી

નડિયાદ : આણંદ શહેરમાં ભાલેજ રોડ પર આવેલી 'અલ ફલાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' દ્વારા ૫૮ યાત્રિકોને ઉમરાહ કરવા ન લઈ જઈ તેમજ પૈસા પરત ન આપી વિશ્વાસઘાત, છેતરપિંડી કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સંધાણાના એજન્ટે ટુર્સના માલિક સહિત ચાર લોકો સામે ૫૮ યાત્રિકોના રૂ.૩૫,૮૫,૦૦૦ ચાઉં કરી છેતરપિંડી કર્યાની માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

માતર તાલુકાના સંધાણા ગામના પીરૂશા પુંજાસા દિવાન આણંદ ખાતે આવેલી 'અલ ફલાહ ટુર્ર્સ એન્ડ ટ્રાવેલ્સ'માં ઉમરાહ કરવા ગયા હતા. તેમજ અન્ય લોકો પણ આ ટુર્સ દ્વારા ઉમરાહ કરવા ગયા હતા. જેથી તેમની સાથે ઓળખાણ થતા અનિશ અબુબકર વિરાણી સંધાણા ગામે ઉમરાહની ટૂર માટે યાત્રિકોના બુકિંગ માટે ગયા હતા અને ઉમરાહ કરવા માટેની જાહેરાતનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ ટુર્સ દ્વારા ચાર મહિના પહેલા પૈસા ભરે તેને રૂ.૬૫,૦૦૦માં અને ચાર મહિના પછી પૈસા ભરે તેને રૂ.૭૫,૦૦૦માં ઉમરાહ કરાવવાની સ્કીમ જાહેર કરી હતી. જેથી સરફરાજ અકબરમિયાં મલેક (રહે.દંતાલી)ના ૧૦ યાત્રિકના રૂ.૬ લાખ, હાજી અકબરશા દિવાનના ૧૦ યાત્રિકના રૂ.૬,૨૦,૦૦૦, જ્યારે મહેમુદ યાસીન ખાન પઠાણ (મોટી ખડોલ)ના ૧૫ યાત્રિકના રૂ.૯ લાખ તેમજ અન્ય યાત્રિકો મળી કુલ ૫૮ યાત્રિકના કુલ રૂ.૩૫,૮૫,૦૦૦ ઉમરાહ કરવા માટે ટુર્સમાં ભરવામાં આવ્યા હતા. 

આ યાત્રિકોને તા.૧૭-૧૧-૨૫ના રોજ ઉમરાહ કરવા લઈ જવાની બાંહેધરી આપી હતી. પરંતુ તા.૧૭મી એ ઉમરાહ કરવા લઈ જવામાં ના આવતા પીરૂશા દિવાન તેમજ અન્ય યાત્રિકોએ આણંદ ખાતે ટુર્સના સંચાલકોને મળતા તેઓએ તારીખનું સેટિંગ કરી તમામ યાત્રિકોને વીસ દિવસમાં ઉમરાહ કરવા લઇ જવા બાંહેધરી આપી હતી. આમ છતાં ટુર્સ દ્વારા ઉમરાહ કરવા લઇ જવામાં આવ્યા ન હતા. જેથી પીરૂશા દિવાને પોતાના પૈસાથી ૨૯ યાત્રિકોને અલ કુબ્રા ટુર્સ દ્વારા ઉમરાહ કરવા મોકલ્યા હતા. ત્યારબાદ 'અલ ફલાહ ટુર્સ'ના સંચાલકો દ્વારા યાત્રિકોના રૂપિયા ૨૦ દિવસમાં પરત કરવાની નોટરી કરી આપી બાંહેધરી આપવામાં આવી હતી. આમ છતાં આજ દિન સુધી યાત્રિકોને ઉમરાહ કરવા ન લઈ જઈ કે આ યાત્રિકોએ ભરેલ રકમ રૂ.૩૫,૮૫,૦૦૦ પરત ન કરી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે પીરૂશા પૂજાશા દિવાનની ફરિયાદ આધારે માતર પોલીસે અનીશ અબુબકર વિરાણી (રહે. આણંદ), ઇતેફાકહુસેન કલંદરઅલી સૈયદ (રહે. પેટલાદ), મહંમદ ઈમરાન મહંમદ યુસુફ વહોરા (રહે. માંડવી, વડોદરા) અને આસિફ ઈકબાલ સફી મલેક (રહે. રાવલી, તાલુકો પેટલાદ) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.