દામકા ગામમાં વૃધ્ધને ત્યાંથી દેશી દારૂ બનાવવાનો અખાદ્ય ગોળ ઝડપાયો
- દામકા, ભટલાઇ, વાંસવા સહિતના ગામમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર સપ્લાય થતો હતોઃ ગોળનો જથ્થો પુરો પાડનાર વોન્ટેડ
સુરત
બોટાદના લઠ્ઠાકાંડને પગલે દોડતી થયેલી સુરત શહેરની ઇચ્છાપોર પોલીસે દામકા ગામના વૃધ્ધને ત્યાંથી 1330 કિલોગ્રામ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ગોળ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
બોટાદ લઠ્ઠાકાંડને પગલે પોલીસ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે અને દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ પર ત્રાટકી રહી છે. જે અંતર્ગત ઇચ્છાપોર પોલીસે બાતમીના આધારે ચોર્યાસી તાલુકાના દામકા ગામના દરજી ફળીયામાં રહેતા ઇશ્વર કુબેર પટેલ (ઉ.વ. 73) ને ત્યાં દરોડા પાડયા હતા. જયાંથી પોલીસને દારૂ બનાવવાના માટે ઉપયોગમાં લેવાતો અખાદ્ય ગોળના 25 કિલોગ્રામના 42 ડબ્બા અને 10 કિલોગ્રામના 28 ચાકા મળી કુલ 1330 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અખાદ્ય ગોળ ઉપરાંત વજન કાંટો મળી કુલ રૂ. 15,300 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પોલીસે ઇશ્વરભાઇની પૂછપરછ કરતા અખાદ્ય ગોળનો જથ્થો સુરેશ નામની વ્યક્તિ પાસેથી લાવ્યાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે અખાદ્ય ગોળનો જથ્થો ચોર્યાસી તાલુકાના દામકા, રાજગરી, ભટલાઇ, જૂનાગામ, વાંસવા સહિતના ગામમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ચલાવનારને વેચાણ કરવામાં આવતો હતો.