સયાજીગંજ કડક બજારમાં ડમ્પર આગળ વૃદ્ધે સૂઈ જઈ દબાણ શાખાની ટીમનો વિરોધ કરતા હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા કડક બજારમાં આજે ફરી એકવાર ગેરકાયદે દબાણો દૂર કરવા અને માલ સામાન કબજે કરવા ડમ્પર સાથે દબાણની ટીમ પહોંચતા જ ડમ્પરની આગળ એક વૃદ્ધે સુઈ જઈને દબાણ ટીમનો વિરોધ કર્યો હતો. પરિણામે ભારે હોબાળો સર્જાતા ઘટના સ્થળે લોક તોડા સહિત અન્ય દબાણ કરનારાઓએ પહોંચી જઈને ભારે હુરિયો બોલાવતા પોલીસ કાફલાએ વચ્ચે પડીને મામલો શાંત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજી ગંજના કડક બજાર વિસ્તારમાં શાકભાજી ફ્રુટવાળાઓ સહિત સ્થાનિક દુકાનદારોના ગેરકાયદે દબાણથી રાહદારીઓને પસાર થવામાં બારે મુશ્કેલી સર્જાય છે. આ ઉપરાંત દ્વિચક્રી વાહન ચાલક પણ મહામુસીબતે અહીંથી પસાર થઈ શકે છે. પરંતુ ફોરવ્હીલર ચાલકો તો આ રસ્તેથી પસાર થવાનું જ ટાળતા હોય છે. જાણે કે આ રસ્તા પરથી પસાર થવા અંગે ફોર વ્હીલરને જાણે કે પ્રતિબંધ હોય તેવી પ્રતીતિ સૌ કોઈને થાય છે. જોકે કડક બજારમાંથી એમ્બ્યુલન્સ વાન પસાર થઈ શકતી જ નથી. કોઈ ગંભીર દર્દી હોય તો કડક બજાર પસાર થતા જ એમ્બ્યુલન્સ વાનચાલકનો દમ નીકળી જાય તેવી પરિસ્થિતિ કાયમી ધોરણે રહે છે. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગઈકાલે દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કરવા સહિત 20 જેટલા ઓટલા પણ તોડી નાખ્યા હતા. આમ છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો શક્ય બન્યું ન હતો.
પરિણામે આજે ફરી એકવાર દબાણ શાખા ની ટીમ ડમ્પર સાથે કડક બજારના નાકે પહોંચી હતી પરંતુ ડમ્પરની આગળ જ લાકડીથી ચાલતા એક વૃદ્ધ સુઈ જતા ડમ્પર રોકાઈ ગયું હતું. દબાણ શાખાની કાર્યવાહીના ભાગરૂપે વયોવૃદ્ધે ભારે વિરોધ કર્યો હતો. જોકે જોત જોતામાં અન્ય પથારા વાળા સહિત પસાર થતાં રાહદારીઓનું ટોળું ઘટના સ્થળે એકત્ર થઈ ગયું હતું અને ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે પથારા વાળાઓનું કહેવું હતું કે પાલિકા તંત્ર દ્વારા પ્રતિ માસ રૂપિયા 500 લઈ જવામાં આવે છે. પરંતુ આ 500 રૂપિયા વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવે છે. આવા રૂપિયા લેવાથી કાંઈ જગ્યાની માલિકી મળી જતી નથી તેમ તંત્રની ટીમનું કહેવું છે.
દરમિયાન ભારે હોબાળા વચ્ચે પહોંચેલી સ્થાનિક પોલીસ ટીમે મહા મહેનતે હોબાળો મચાવનારાઓ સહિત ડમ્પર આગળ સૂઈ ગયેલા વૃદ્ધને સમજાવટથી હટાવ્યા હતા. પરિણામે દબાણ શાખાની ટીમે કડક બજારમાં ગેરકાયદે ખડકાયેલી શાકભાજીની પાંચ જેટલી લારીઓ કબજે કરી રોડ રસ્તા ખુલ્લા કરવાનો પ્રયાસ કર્યો હતો.








