Gujarat

ઘઉંની પરાળી સળગાવાતાં થયેલા ધુમાડાથી ખેતરમાં પડેલા વૃધ્ધ ભડથું

By GS TEAM
12 Mar 20262 mins read
ઘઉંની પરાળી સળગાવાતાં થયેલા ધુમાડાથી ખેતરમાં પડેલા વૃધ્ધ ભડથું

માંગરોળના ચાખવા-કારેજ રોડ પર કરૂણ બનાવ

રસ્તો ન દેખાતાં ખેતરમાં જઈ પડેલા વૃધ્ધનું અને અન્ય એકનું બાઈક સળગી ગયું, આસપાસનાં ખેતરોમાં આગ ફેલાતાં દોડધામ

જૂનાગઢ: માંગરોળ તાલુકાના ચાખવાની સીમમાં ઘઉંની પરાળી સળગાવતા ધુમાડો થયો હતો. આ સમયે ત્યાંથી પસાર થયેલા કારેજના વૃધ્ધ ધુમાડાના કારણે બાઈક સાથે ખેતરમાં પટકાયા હતા. તેઓ ખેતરમાં પડયા ત્યાં આગની જ્વાળાઓ પહોંચી જતા આ વૃધ્ધનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું હતું. તેનું બાઈક તેમજ અન્ય એક વ્યક્તિનું બાઈક પણ સળગી ગયું હતું. આ આગ રોડની આસપાસ તેમજ અન્ય ખેતરો સુધી ફેલાતા લોકોમાં દોડધામ થઈ ગઈ હતી. જેને બુઝાવવા માટે ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ માંગરોળ તાલુકાના ચાખવા ગામની સીમમાં ઘઉંની લણણી બાદ ખેતરમાં ઉભેલી પરાળી સળગાવવામાં આવી હતી. રોડ પરના ખેતરમાં સળગાવવામાં આવેલી આ પરાળીના કારણે ખુબ ધુમાડો થયો હતો. આ સમયે કારેજ ગામના નુરશા અલરખા જલાલી (ઉ.વ.૬૬) નામના વૃધ્ધ બાઈક લઈ પસાર થયા હતા. ધુમાડાના ગોટેગોટાના કારણે તેઓ આગળનો રસ્તો જોઈ શક્યા ન હતા અને તેનું બાઈક રોડ નીચે ઉતરી ગયું હતું. જેમાં તેઓ ખેતરમાં પટકાયા હતા. નુરશા જલાલી ખેતરમાં બાઈક સાથે પડતા તેઓને ઈજા થઈ હતી ત્યાં સુધીમાં પરાળીની આગ તેના સુધી પહોંચી ગઈ હતી જેમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટના સ્થળે જ ભડથું થઈ ગયા હતા. તેનું તેમજ અન્ય વ્યક્તિનું ત્યાં  રહેલું બાઈક સળગી ગયું હતું. આસપાસના ખેતરો તેમજ રોડની બાજુમાં આવેલા વૃક્ષોમાં પણ આ આગ પ્રસરી ગઈ હતી. પવનના કારણે આગ આગળ વધતી જતી હોવાથી દોડધામ મચી ગઈ હતી. લોકોએ આગ બુઝાવવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ આખરે ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી.

નુરશા અલારખા જલાલીને માંગરોળ પીએમમાં ખસેડાયા હતા. આ અંગે શીલ પીઆઈ એમ.સી. પટેલે જણાવ્યું હતું કે, પરાળી સળગાવતા થયેલા ધુમાડાના લીધે રોડ પરથી પસાર થતા વૃધ્ધનું બાઈક ખેતરમાં ઉતરી જતા તેઓ પટકાયા હતા અને તેના સુધી આગ પહોંચી જતા તેઓનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું છે. આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડૂતો દ્વારા ઘઉંની લણણી બાદ ખેતર સાફ કરવા માટે પરાળી સળગાવવામાં આવે છે પરંતુ ક્યારેક આ બાબત ગંભીર બની કોઈના મોતનું કારણ બને છે ત્યારે ખેડૂતોએ પરાળી સળાગવતી વખતે યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે.