દર 5 વર્ષને બદલે 8 વર્ષથી સિંહોની સત્તાવાર વસ્તી ગણતરી કરવામાં નથી આવી
લાંબાગાળાના સંરક્ષણ માટે જરૂરી હોવા છતાં ખુદ વન વિભાગ જેને બિનસત્તાવાર તરીકે જાહેર કરેલ તે પૂનમ અવલોકનના આંકડાને સત્તાવાર તરીકે વનતંત્ર દ્વારા ઉપયોગ કરવામાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી
જૂનાગઢ, : દેશ અને દુનિયામાં એશિયાટીક સિંહોનું ગૌરવ લેવામાં આવી રહ્યું છે. પરંતુ ગીરના વનરાજોની વર્ષ 2015 બાદ અધિકૃત ગણતરી કર્યા વગર વનતંત્ર કોઈપણ બાબતમાં સિંહોની સંખ્યા ૬૭૪ હોવાનો અવાર-નવાર દાવો કરે છે પણ આ આંકડો વર્ષ 2020માં કરવામાં આવેલી પૂનમ અવલોકનને આધારે જાહેર કરવામાં આવ્યો તેનો અધિકૃત રીતે ઉપયોગ કરવા સામે સિંહ પ્રેમીઓ ભારે વિરોધ નોંધાવી રહ્યા છે.
સિંહની સત્તાવાર ગણતરી અને પૂનમ અવલોકન વચ્ચે ખુબ મોટો તફાવત છે. વન વિભાગ અને સરકાર અવાર-નવાર સિંહોની પૂનમ અવલોકનની જાહેર કરેલી ગણતરીના આંકડા સત્તાવાર રીતે જાહેર કરે છે જેને લઈ વિવાદ સર્જાયો છે. સિંહોની દર પાંચ વર્ષે સત્તાવાર ગણતરી કરવામાં આવે છે. છેલ્લી ગણતરી વર્ષ 2015માં કરવામાં આવી હતી. જેમાં 523 સિંહો નોંધાયા હતા. સિંહોની 15મી ગણતરી વર્ષ 2020માં તા. 5 અને 6 જુનના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ કોવિડની પરિસ્થિતિના કારણે ગણતરી શકય બની ન હતી.
તા.5 અને 6 જુન 2020ના સત્તાવાર કરેલ જાહેરાત મુજબ ખુદ વન વિભાગે સ્વીકાર્યું હતું કે, 'એશિયાટીક સિંહોના લેન્ડસ્કેપમાં એશિયાઈ સિંહોનું પૂનમ અવલોકન છે તેને સિંહોની વસ્તી ગણતરી કહી શકાય નહી.' સિંહોના લાંબાગાળાના સંરક્ષણ અને સંચાલન માટે સિંહોની વસ્તી અને વિસ્તરણની સ્થિતી સમજવી જરૂરી હોવાનો ખુદ વન વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સ્વીકારે છે. વર્ષ 2015માં થયેલી છેલ્લી સત્તાવાર ગણતરી બાદ સિંહોમાં સીડીવી, બબેસીયા સહિતના અનેક સક્રમણો આવ્યા જેમાં અનેક સિંહોના કમોત થયા હતા. આ ઉપરાંત રેલ્વે ટ્રેક પર કપાઈને, ખુલ્લા કુવામાં પડવાથી, વીજ શોક લાગવાથી સિંહોના અપમૃત્યું થયા હતા.
તો બીજી તરફ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સુધી સિંહો પહોંચ્યા હતા તથા ભાવનગર જીલ્લામાં સિંહોનું વિચરણ વધ્યું છે. આવા બદલાવ વચ્ચે માત્ર પૂનમ અવલોકનના આધારે સિંહોના સંરક્ષણમાં વિક્ષેપ ઉભો થાય તેમ છે. તાજેતરમાં પૂનમ અવલોકનને લઈ દરેક ડીવીઝનમાં અલગ-અલગ સમયે અવલોકન થતું હતું. જેના કારણે એક સુત્રતા જળવાતી ન હતી. બાદમાં વન વિભાગે નિર્ણય લેવો પડયો કે, દર પૂનમે તમામ ડીવીઝનોમાં એક જ સમયે પૂનમ અવલોકન કરવું. કેમ કે, અલગ-અલગ સમયે પૂનમ અવલોકન હોવાથી એકને એક સિંહ બેવાર ગણતરીમાં આવી જતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
દર પાંચ વર્ષને બદલે છેલ્લા આઠ વર્ષથી સિંહોની સત્તાવાર ગણતરી કરવામાં આવી નથી. પૂનમ અવલોકનને ખુદ વન વિભાગ જ બિનસત્તાવાર માને છે. પરંતુ જયારે સિંહોની વસ્તીના આંકડા જાહેર કરવાનું થાય પૂનમ અવલોકનના આંકડા જાહેર કરી પ્રજાને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ સેવ લાયન સંસ્થાના મયંક ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ આ અંગે રાજયપાલ, મુખ્યમંત્રી સહિતનાઓને રજુઆત કરી તાત્કાલીક સિંહોના લાંબાગાળાના સંરક્ષણ માટે સત્તાવાર રીતે સિંહોની ગણતરી કરવાની માંગણી કરી છે.