દ્વારકાની એસટી બસમાં બેઠેલા અમરેલીના પ્રૌઢ ચિટર શખ્સનો શિકાર બન્યા : સોનાની બે વીંટી અને રોકડ રકમ ગુમાવવાનો વારો આવ્યો
Jamnagar Theft Case : અમરેલીથી દ્વારકા એસટી બસમાં ફૂલ પધરાવવા માટે ગયેલા એક પ્રૌઢને એક ચીટર શખ્સનો ભેટો થયો હતો, અને બાજુની સીટમાં બેઠેલા શખ્સે પોલિયોની દવાની મારી પાસે ઈલાજ છે, તેમ કહી ઘેનની ગોળીઓ ખવડાવી બેશુદ્ધ બનાવી દીધા હતા, અને જી.જી. હોસ્પિટલમાં લઈ આવ્યા બાદ તેના હાથમાંથી સોનાની બે વીંટી અને 6,600ની રોકડ રકમ મોબાઈલ વગેરે લઈને રફુ ચક્કર થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલીના વતની લલીતભાઈ બાબુભાઈ ગણાત્રા (55) કે જેઓ દ્વારકા ફૂલ પધરાવવા માટે એસટી બસમાં ગયા હતા, અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન તેની બાજુમાં એક અજાણ્યો શખ્સ બેઠો હતો, અને લલિત ભાઈને હાથમાં પોલિયો હોવાથી તે અંગેની વાતચીત કર્યા બાદ પોતે આનો ઈલાજ જાણે છે, અને તબીબ પણ તેના મિત્ર છે તેમ કહી લલિતભાઈને જામનગરના એસટી ડેપો પર ઉતાર્યા હતા. જયાં બે નંબરના પ્લેટફોર્મ પર બેસાડીને પોતાની પાસે રહેલી બે ગોળીઓને ખવડાવી દીધી હતી, ત્યારબાદ પોતાના મિત્ર જીજી હોસ્પિટલમાં એક તબીબ છે, તેની પાસે લઈ જવાનું કહીને હોસ્પિટલમાં લઈ ગયો હતો, ત્યાં લલિતભાઈ બેશુદ્ધ બની જતાં તેના હાથમાં રહેલી બે સોનાની વીંટી તેમજ ખીસામાં રહેલો એક મોબાઈલ ફોન અને 6600 ની રોકડ રકમ વગેરે કાઢીને અજાણ્યો શખ્સ ગાયબ થઈ ગયો હતો. લલીતભાઈ ભાનમાં આવ્યા ત્યારે સમગ્ર હકીકતની જાણકારી મળતાં તેઓએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ એમ.વી.મોઢવાડિયા અને તેઓની ટીમ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલના સીસીટીવી કેમેરા તેમજ એસટી બસ સ્ટેન્ડના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને શોધવાની કવાયત હાથ ધરી છે.