વડોદરામાં ગણેશ પંડાલ સ્પર્ધા માટે કોર્પોરેશન વિસ્તારમાં મૂલ્યાંકન સમિતિની રચના કરાશે
Vadodara Ganeshotsav 2025 : ઓપરેશન સિંદૂરના દેશભક્તિ આધારિત સુશોભન, સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને સ્વચ્છતાએ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા યોજવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશપંડાલને પુરસ્કૃત કરવામાં આવશે. ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવશે.
ચારેય મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં આ સમિતિ રચાશે. વડોદરા શહેરના કુલ 19 વોર્ડમાં જુદી જુદી વોર્ડ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ જુદા જુદા પંડાલોની મુલાકાત લઈ તેમાં કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજન અંગેના ધારા ધોરણો મુજબની માહિતી એકત્રિત કરી ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ સમક્ષ રજૂ કરશે, ત્યારબાદ મુખ્ય સમિતિ દ્વારા પ્રથમ ત્રણ પંડાલની પસંદગી કરી તેની વિગત રાજ્ય સરકારને સુપ્રત કરશે. ગણેશ પંડાલના મૂલ્યાંકનના માપદંડ માટે મંડપનું સુશોભન, સામાજિક સંદેશ, ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદુર અને સ્વદેશી વસ્તુઓની થીમ, ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય તે રીતે પંડાલનું સ્થળ, વહીવટી તંત્રની મંજૂરી તેમજ અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ગણેશપંડાલના આયોજકોને ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવીને સુપ્રત કરવાનું રહેશે.