ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી
બે વર્ષ દરમિયાન અલગ-અલગ ખાતાઓમાં રૃપિયા મોકલીને
કર્મચારીએ રાજીનામું આપી દીધા બાદ તપાસ કરતા બહેન સહિતના ૧૬ જેટલા ખાતાઓમાં રૃપિયા ટ્રાન્સફર કર્યા ઃ પોલીસે બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સરકાર સહિત અન્ય વિભાગોમાં હાલ આઉટસોર્સ કર્મચારીઓ મારફતે કામ
કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આ કર્મચારીઓ પૂરી પાડતી એજન્સી સાથે જ ગાંધીનગરમાં
મોટી ઉચાપત થઈ હોવાની વિગતો બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે મૂળ અમરેલીના વતની અને સેક્ટર ૧૧માં મેઘ મલ્હાર કોમ્પ્લેક્સમાં અનુશ્રી આઉટસોર્સ
પેઢી ચલાવતા મુકેશભાઈ મનજીભાઈ કાલાવાડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પેઢીને વર્ષ
૨૦૧૭માં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાયસણ ગાંધીનગરની કચેરીમાં મેનપાવર
પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં અગાઉ કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા રોનક ચંદુલાલ
પટેલ રહે. ૨૩૭-૫ શિવ શક્તિ સોસાયટી સેક્ટર ૧૪ને કોન્ટ્રાક્ટ ઉપર નોકરી રાખ્યો હતો.
જે ઓફિસના સરકારી કામકાજની સાથે ટેન્ડર ભરવા અને એકાઉન્ટ સહિતની કામગીરી સંભાળતો હતો.
આ પેઢીમાં ૯૦૦ જેટલા આઉટસોર્સ કર્મચારીઓ સરકારના તેમજ વિવિધ
પ્રાઇવેટ કચેરીઓમાં કામ કરતા હતા. કંપનીમાં વર્ષ ૨૦૧૭થી કામ કરતા રોનકે અચાનક જ
૨૦૨૪ માં બીમારીનું કારણ આપીને રજા ઉપર ઉતરી ગયો હતો ત્યારબાદ કંપનીના અન્ય
કર્મચારીઓને આ કામ સોંપવામાં આવ્યું હતું તે દરમિયાન તપાસમાં બહાર આવ્યું હતું કે
વર્ષ ૨૦૨૩ અને ૨૪માં પેઢીમાં કામ નહીં કરતા તેવા કર્મચારીઓને બારોબાર પગાર ચૂકવી
દેવામાં આવતો હતો. જેથી આ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવામાં આવી હતી
અને તેમાં કર્મચારીઓના નામ અસલ તેમજ એકાઉન્ટ નંબર રોનક ચંદુલાલ પટેલ અને તેની બહેન
સ્નેહા ચંદુલાલ પટેલ તેમજ અન્ય વ્યક્તિઓના છે જેથી બરોબર ચૂકવી દેવાયેલા પગારની
તપાસ કરવામાં આવતા તે ૯૩.૫૭ લાખ રૃપિયા જેટલી થાય છે. જેથી હાલ પોલીસે બંને સામે
ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.