લાલબાગ અવધૂત ફાટક પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની અડફેટે મોત
વૃદ્ધ પાણીના કારબા ભરીને વસાહતમાં પરત જતા હતા
વડોદરા,લાલબાગ અવધૂત ફાટક પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધને બાઇક સવારે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે રાવપુરા પોલીસે બાઇક ચાલકની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા મંગુભાઇ સુનિયાભાઇ તડવી હાલમાં લાલબાગ અવધૂત ફાટક પાસે બળિયાદેવ મંદિર નજીક રહે છે. ગઇકાલે સાંજે સાડા છ વાગ્યે તેઓ પાણીનો કારબો ભરીને ચાલતા રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન અવધૂત ફાટકથી લાલબાગ બ્રિજ તરફ જતા એક બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા જમણી આંખ, પેટ, પગ અને હાથ પર ગંભીર ઇજા થઇ હતી. પેટમાં ઇજા થવાના કારણે તેઓનું પેટ ફૂલી ગયું હતું. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. અકસ્માત કરનાર બાઇક ચાલક સ્થળ પરથી ભાગી ગયો નહતો. બાઇક ચાલક અભિજીત મહેશપંડીત આનંદ સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.