નડિયાદના વૃદ્ધનો પગના દુઃખાવાથી કંટાળી નહેરમાં ઝંપલાવી આપઘાત

- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી
- ઘૂંટણનું સિપ્લેસમેન્ટ કરાવવા છતાં પગમાં દુઃખાવો રહેતો હતો : ટુવ્હીલરના આધારે ઓળખ થઈ
નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ આનંદ વિહાર સોસાયટી ઓમ પાર્કમાં રહેતા મનહરભાઈ ઉર્ફે મનુભાઈ શીવાભાઈ દલવાડી પ્રજાપતિ (ઉં.વ.૭૩) નિવૃત્તિ જીવન ગુજારતા હતા. તેઓ પત્ની તેમજ એક દીકરો અને એક દીકરી ધરાવતા હતા. તેઓએ પગનો દુઃખાવો રહેતો હોવાથી ખાનગી હોસ્પિટલમાં ઘૂંટણના રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. આમ સારવાર કરાવવા છતાં તેમને જમણા પગમાં દુઃખાવો રહેતો હતો. જેથી તેઓ કંટાળી ગયા હોવાથી આજે સવારે ૬ વાગ્યાના સુમારે ઘરેથી કોઈને કહ્યા વગર ટુવ્હીલર લઈને પીપલગ નહેર પર ગયા હતા. તેઓએ મોપેડ કેનાલના રોડ પર મૂકી નહેરના પાણીમાં પડતું મૂક્યું હતું.
આ બનાવની જાણ થતા લોકોના ટોળા નહેર પર દોડી ગયા હતા. સ્થાનિકોએ નહેરમાંથી વૃદ્ધની લાશને બહાર કાઢી હતી. ૧૧૨ જનરક્ષક વાન તેમજ નડિયાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મોપેડના આધારે જાણ કરતા સંબંધીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.