Get The App

મણીનગરના વૃદ્ધાને રિક્ષામાં બેસાડી બેભાન કરી ૧.૪૮ લાખની મત્તા ચોરી

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
મણીનગરના વૃદ્ધાને રિક્ષામાં બેસાડી બેભાન કરી ૧.૪૮ લાખની મત્તા ચોરી 1 - image


રિક્ષા ગેંગે અઠવાડિયા અગાઉ ઉવારસદથી

પોલીસે પકડેલા મહિલા સહિત છ આરોપીઓની પૂછપરછમાં ખુલાસો ઃ વધુ એક ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર તેમજ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમને બેભાન કરીને કીમતી માલ સામાન ચોરી લેતી ગેંગને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા બાદ પૂછપરછમાં વધુ એક ગુનાનો ભેદ ઉકેલાયો છે અને તેના પગલે મણીનગરના વૃદ્ધાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના અડાલજ અને કલોલ વિસ્તારમાં મહિલાઓ અને વૃદ્ધાને રીક્ષામાં બેસાડીને તેમને શેરડીનો રસ કે અન્ય પીણું પીવડાવીને બેભાન કરી તેમના દાગીના અને અન્ય માલ સામાન ચોરી લેવાની ઘટના વધી રહી હતી. જેના પગલે ગાંધીનગર એલસીબી દ્વારા આ ગેંગને શોધવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી ત્યારે પોલીસે ખાત્રજ પાસે વોચ ગોઠવીને બે રિક્ષાને ઝડપી લીધી હતી અને તેમાંથી ચાર મહિલાઓ અને બે પુરુષોને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછ કરવામાં આવતા ગાંધીનગર તેમજ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારના નવ જેટલા ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી. આ ટોળકી દ્વારા ગત ૨૩ એપ્રિલના રોજ અમદાવાદના મણીનગર ખાતે રહેતા જગુબેન ફતેસિંહ ઠાકોરને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા તેઓ ઉવારસદ જોગણી માતાના મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા ત્યારે તેમને અડાલજથી રિક્ષામાં બેસાડી ઉવારસદ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉવારસદથી મણીનગર ઉતારવાનું કહી અડાલજ માર્ગ ઉપર શેરડીનો રસ પીવડાવીને બેભાન કરીને સોનાના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૪૮ લાખ રૃપિયાની મત્તા ચોરી લેવામાં આવી હતી એટલું જ નહીં વૃદ્ધાને સેરીસા નર્મદા કેનાલ પાસે બેભાન હાલતમાં જ મૂકી દીધા હતા. હાલ આ વૃદ્ધાની ફરિયાદના આધારે આ ટોળકી સામે વધુ એક ગુનો અડાલજ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો છે.

Tags :