Gujarat

અમદાવાદ- વડોદરા હાઈવે પર ટાયર ફાટતા ઈકો ગાડી ડિવાઈડરમાં ઘૂસી

By GS TEAM
17 Jun 20251 min read
અમદાવાદ- વડોદરા હાઈવે પર ટાયર ફાટતા ઈકો ગાડી ડિવાઈડરમાં ઘૂસી

- નડિયાદના ફતેપુરા સીમ પાસે અકસ્માત

- આર્મી જવાનોએ વાહન ઊભું રાખી ગાડીમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા : બેની હાલત ગંભીર

નડિયાદ : નડિયાદના ફતેપુરા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે ઈકો ગાડી ટાયર ફાટતા રોડ વચ્ચેના ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત જોતા ત્યાંથી પસાર થતી આર્મીના જવાનોએ ઈજાગ્રસ્તોને ઈકોમાંથી બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે.

નડિયાદ ફતેપુરા સીમ નજીકથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. આ હાઈવે પર આજે સવારે વડોદરા તરફ જતી ઈકો ગાડીનું અચાનક ટાયર ફાટતા ઈકો ગાડી હાઈવે વચ્ચેના ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત સર્જાતા ડિવાઈડર સાથે અથડાયેલી ઈકો કારનો ભુક્કો થઈ ગયો હતો. 

અકસ્માત સર્જાયો ત્યારે અમદાવાદથી વડોદરા જતા આર્મીના જવાનોએ અકસ્માત જોઈ ગાડી ઉભી રાખી ઈકો ગાડીમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બે ઇજાગ્રસ્તની હાલત ગંભીર જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બનાવ અંગે નડિયાદ ટાઉન, ગ્રામ્ય, વડતાલ તેમજ ચકલાસી પોલીસનો સંપર્ક કરતા અકસ્માત બાબતની આવી કોઈ વર્ધી ન આવી હોવાનું જણાવ્યું હતું.